અપહરણ અને પોક્સો ગુનામાં છ મહિનાથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો

અપહરણ અને પોક્સો ગુનામાં છ મહિનાથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો

સાબરકાંઠા LCB અને ખેરોજ પોલીસની સંયુક્ત કાર્યવાહી; 10 કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા, તા. 23: સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને પોક્સો એક્ટ સંબંધિત ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખેરોજ પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને ટીમે આશરે 10 કિલોમીટર સુધી પીછો કરીને પકડી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ખેરોજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 137(2), 87 તથા પોક્સો એક્ટ હેઠળ 9 જુલાઈ, 2026ના રોજ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં રાજસ્થાનના સાંચોર વિસ્તારના ટાંપી ગામનો રહેવાસી પનારામ ધીરારામ ઠાકુર (ઉંમર 22 વર્ષ) આરોપી તરીકે નોંધાયો હતો. ફરિયાદ મુજબ, આરોપી પર 20 મે, 2026ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી લઈ જવાનો આક્ષેપ હતો.

સાબરકાંઠા જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપી રાજસ્થાનના સાંચોર વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે ટાંપી ગામે બે દિવસ રોકાઈને બાતમીદારો મારફતે ઝીણવટભરી તપાસ કરી હતી.

દરમિયાન, આરોપી ગામ નજીકની કેનાલ પાસે આવેલા એક ખેતરમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસ ટીમે સ્થળને ઘેરી લીધું હતું. જોકે, પોલીસને જોઈને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સતર્ક પોલીસ કર્મચારીઓએ આશરે 10 કિલોમીટર સુધી તેનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો.

આ કામગીરી સાબરકાંઠા LCB અને ખેરોજ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો