યોગેશ કાનાબાર અમરેલી

ભેરાઈ ગામે નવી સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ, બાળકોને મળશે શિક્ષણની વધુ સારી સુવિધાઓ
ભેરાઈ : આજરોજ ભેરાઈ મુકામે નવી સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભેરાઈ ગામમાં નવી શાળાની સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને પણ આધુનિક અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી ભેરાઈ ગામનાં બાળકોને શિક્ષણ માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ બની છે.
નવી સરકારી પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે ગામના લોકોએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ નવી શાળા બાળકોના શૈક્ષણિક ઘડતર, જ્ઞાનવિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં આશીર્વાદરૂપ બની રહે તેવી શુભકામનાઓ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળાના લોકાર્પણથી ભેરાઈ ગામના શૈક્ષણિક વિકાસને નવી દિશા મળશે અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની વધુ સારી તક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.









