અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોડાસા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
૨૦૦ તાલીમાર્થીઓ સહિત ૨૨૫ લોકોએ નશામુક્તિના શપથ લઈ નશામુક્ત સમાજના નિર્માણનો સંકલ્પ કર્યો

નશીલા પદાર્થોના સેવનના દુષ્પરિણામો અંગે જનજાગૃતિ લાવવા તથા નશામુક્ત સમાજના નિર્માણના હેતુથી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), મોડાસા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રોહિબિશન પી.એસ.આઈ. જીગરભાઈ પટેલ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ ઓફિસર કપિલભાઈ પટેલે ઉપસ્થિત રહી સંસ્થાના ૨૦૦ તાલીમાર્થીઓ અને ૨૫ કર્મચારીઓને નશીલા પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિવિધ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નશાથી દૂર રહેવા, વ્યસનથી પીડિત વ્યક્તિઓને યોગ્ય માર્ગદર્શન આપવા તેમજ નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને નશામુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત, તાલીમાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ અને વિચારશક્તિ વિકસે તે હેતુથી નશામુક્ત ભારત વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.સંસ્થાના આચાર્ય એસ.કે. ઠક્કર સાહેબે પણ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા તાલીમાર્થીઓને નશામુક્તિનું મહત્ત્વ સમજાવી સ્વસ્થ અને જવાબદાર જીવનશૈલી અપનાવવા પ્રેરિત કર્યા હતા.આ કાર્યક્રમ દ્વારા યુવા પેઢીમાં નશીલા પદાર્થોના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવા તેમજ નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો હતો.









