MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની અનોખી ઉજવણી: ઘરે-ઘરે દીપ પ્રગટાવાયા, રામદેવપીર મંદિરે મહાઆરતી યોજાઈ

મોરબી:દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર અને ભક્તિભાવપૂર્વક અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આ શુભ અવસરે સમગ્ર ગામમાં દીપોત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ પોતપોતાના ઘરે દીપ પ્રગટાવી વડાપ્રધાનના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ ઉપરાંત, ગામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી રામદેવપીર મંદિરે વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને દેશસેવા માટે પ્રાર્થના કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ગોર ખીજડીયા ગામના સરપંચ શ્રી ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડિયા તથા તલાટી કમ મંત્રી શ્રી રવિભાઈ હુંબલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.











