જાફરાબાદ પંથકની પ્રાથમિક શાળામાં સગીર વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મની ફરિયાદ, આરોપી શિક્ષકની ધરપકડ

યોગેશ કાનાબાર અમરેલી

જાફરાબાદ પંથકની પ્રાથમિક શાળામાં સગીર વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મની ફરિયાદ, આરોપી શિક્ષકની ધરપકડ

જાફરાબાદ તાલુકાની પ્રાથમિક શાળાની ઘટના : એક વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓ પણ ભોગ બની હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી

રાજુલા : અમરેલી જિલ્લામાં દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. જાફરાબાદ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીઓ સાથે શાળાના જ શિક્ષકે અવારનવાર શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ જાફરાબાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક સગીર વિદ્યાર્થિનીએ પોતાના વાલીને શિક્ષક દ્વારા તેની સાથે લાંબા સમયથી અવારનવાર અયોગ્ય શારીરિક વર્તન કરવામાં આવતું હોવાની અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત જણાવી હતી. ત્યારબાદ વાલીએ પોલીસને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોલીસે શાળામાં તપાસ અને પૂછપરછ હાથ ધરતાં આ જ શાળાની અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓ પણ ભોગ બની હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર મામલે પોલીસે પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપી શિક્ષક વિદ્યાર્થિનીઓને શાળામાં ચા બનાવવાના રૂમમાં બોલાવી આ પ્રકારનું કૃત્ય કરતો હોવાની વિગતો પણ સામે આવી હોવાનું જણાવાયું છે.

આરોપીનું નામ રામશંકરભાઈ બટુકભાઈ પંડ્યા હોવાનું સામે આવ્યું છે. તે જાફરાબાદ તાલુકાના એક ગામમાં રહેતો હોવાનું અને મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામનો વતની હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.

આ મામલે રાજુલાના ડીવાયએસપી નયના ગોરડિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

શિક્ષણના પવિત્ર ધામ ગણાતી શાળામાં સગીર વિદ્યાર્થિનીઓ સાથે બનેલી આ ઘટના શિક્ષણજગત અને વાલીઓમાં ચિંતા ઊભી કરનારી છે. પોલીસ તપાસમાં આ મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો