વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
નારણસરી ગામે ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પરથી હિટાચી, ડમ્પર, ટ્રક અને કોંક્રિટ મિક્સર સહિત અંદાજે રૂ. ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો.
કચ્છ કલેક્ટરની સૂચના અન્વયે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉની ટીમે રેતી વોશિંગ પ્લાન્ટ પર આકસ્મિક તપાસ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
ભચાઉ,તા-૦૧ ઓક્ટોબર : જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભુજ-કચ્છની સૂચનાના આધારે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ તેમજ ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં ગેરકાયદેસર વોશિંગ પ્લાન્ટ પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેતીની જમીનનો બિનખેતી (NA) પરવાનગી મેળવ્યા વિના, ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરીને ચલાવવામાં આવી રહેલા રેતીના વોશિંગ પ્લાન્ટ પર મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ તેમજ ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર, ૨૦૨૬ રોજ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ અને કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વોશિંગ પ્લાન્ટ સ્થળ પરથી ૧ હિટાચી મશીન, ૪ ડમ્પર, ૧ બાવીસ વ્હીલ ટ્રક તેમજ ૧ કોંક્રિટ મિક્સર મશીન મળી કુલ ૭ વાહનો-મશીનરી સીઝ કરવામાં આવી હતી. આ સીઝ કરવામાં આવેલા વાહનો સામે નિયમાનુસાર દંડની આગળની કાર્યવાહી કરવા અંગે ખાણ-ખનીજ વિભાગને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્થળ પરથી મળી આવેલી નંબર પ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મ ધરાવતી ૧ કાર સામે મોટર વ્હિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે આર.ટી.ઓ. તથા પોલીસ તંત્રને સૂચના અપાઈ છે.આ સાથે જ, ખેતીની જમીનનો કાયદેસર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર ઔદ્યોગિક ઉપયોગ કરવા બદલ જમીન મહેસૂલ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આશરે રૂપિયા ૩ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા વાહનો વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈન લિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, ૨૦૧૭ અન્વયે દંડનીય કાર્યવાહી અર્થે તમામ વાહનોનો કબજો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે તેમ મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ દ્વારા જણાવાયું છે.












