બાલાસિનોર અને લુણાવાડામાં આકસ્મિક તપાસ: ખુલ્લા પ્લોટ બતાવી બાંધકામ છુપાવનાર 12 દસ્તાવેજો સામે રૂ. 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ચોરી ઝડપાઈ*

રીપોર્ટ આસીફ લુણાવાડા

*બાલાસિનોર અને લુણાવાડામાં આકસ્મિક તપાસ: ખુલ્લા પ્લોટ બતાવી બાંધકામ છુપાવનાર 12 દસ્તાવેજો સામે રૂ. 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ચોરી ઝડપાઈ*

મહીસાગર જિલ્લામાં સરકારી મહેસૂલની ચોરી રોકવા અને સ્ટેમ્પ ડ્યુટીની સંપૂર્ણ વસૂલાત સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર  એચ. ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક સ્થળ તપાસ દરમિયાન રૂ. 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ ઝડપી પાડવામાં આવી છે. બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં નોંધાયેલા વેચાણ દસ્તાવેજો અને સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટા પાયે વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. દસ્તાવેજોમાં જે મિલકતોને માત્ર ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવીને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી, ત્યાં સ્થળ પર બે માળના પાકાં આરસીસી બાંધકામો તેમજ વેપારી દુકાનો અસ્તિત્વમાં હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

 

આકસ્મિક તપાસ ઝુંબેશ અંતર્ગત બાલાસિનોર તાલુકાના સોમનાથ સોસાયટી અને માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ લુણાવાડા તાલુકાના વ્રજ વિહાર ખાતે રૂબરૂ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ગેરરીતિ બાલાસિનોરના માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે નોંધાઈ હતી, જ્યાં તપાસવામાં આવેલા કુલ 9 વેચાણ દસ્તાવેજોમાં મિલકતનું બાંધકામ છુપાવીને ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી હોવાનું જણાયું હતું. માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ 9 દસ્તાવેજો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ અને વસૂલાત સહિત કુલ રૂ. 20.59 લાખથી વધુની ખૂટતી રકમ આંકવામાં આવી છે.

 

આ ઉપરાંત બાલાસિનોરની સોમનાથ સોસાયટી ખાતે પ્લોટ નંબર 13ના દસ્તાવેજની તપાસ કરતા ત્યાં ખુલ્લા પ્લોટને બદલે બે માળનું બાંધકામ મળી આવ્યું હતું. આ મિલકતની પુનઃ બજાર કિંમત નક્કી કરી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી, નિયમ-9 હેઠળનો દંડ તથા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ 39(1)(બી) હેઠળ કાર્યવાહી કરીને કુલ રૂ. 3.48 લાખથી વધુની રકમની વસૂલાત પાત્ર બનાવી છે. એવી જ રીતે લુણાવાડા તાલુકાના જેશીંગપુર સ્થિત વ્રજ વિહારમાં તપાસાયેલા 2 દસ્તાવેજોમાં પણ ખુલ્લા પ્લોટના નામે બે માળનું બાંધકામ છુપાવેલું જણાતા રૂ. 5.65 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી અને દંડની વસૂલાત માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે.

 

આમ, ત્રણેય સ્થળોના મળીને કુલ 12 જેટલા વેચાણ દસ્તાવેજોની ચકાસણીમાં રૂ. 29,74,273/-ની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ સામે આવી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 મુજબ મિલકતની સાચી વિગતો દર્શાવી યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરવી ફરજિયાત છે. નાયબ કલેક્ટર  એચ. ટી. મકવાણાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે મિલકતની વાસ્તવિક સ્થિતિ છુપાવીને સરકારી મહેસૂલની ચોરી કરવાનો પ્રયાસ ચલાવી લેવાશે નહીં અને આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આવી આકસ્મિક સ્થળ તપાસની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો