ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના લાગણીસભર સંબંધોને ઉજાગર કરતો પ્રસંગ સામે આવ્યો છે.તલોદરા પ્રાથમિક શાળામાં છેલ્લા 19 વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ઝઘડીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં શાળા પરિવાર દ્વારા તેમના સન્માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનો દ્વારા નિવૃત્ત થતા મુખ્ય શિક્ષક ઈશ્વરભાઈ વસાવાને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.19 વર્ષ સુધી તલોદરા પ્રાથમિક શાળામાં શિક્ષણની જવાબદારી નિભાવનાર ઈશ્વરભાઈ વસાવા માટે વિદાયની આ ક્ષણ લાગણીસભર બની રહી હતી.

પોતાના વિદાય પ્રસંગે ઈશ્વરભાઈ વસાવા ભાવુક બન્યા હતા અને શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા મળેલા સહકાર અને સન્માન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ ઈશ્વરભાઈ વસાવાની લાંબી શિક્ષણસેવા અને તેમની કામગીરીને બિરદાવી હતી.શિક્ષક ભલે વયમર્યાદાને કારણે ફરજમાંથી નિવૃત્ત થાય, પરંતુ શિક્ષણક્ષેત્રે આપેલું તેમનું યોગદાન અને તેમની સેવાઓ હંમેશાં યાદગાર રહે છે.આમ, તલોદરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઈશ્વરભાઈ વસાવાનો વિદાય સમારંભ સન્માન અને લાગણીસભર વાતાવરણ વચ્ચે યોજાયો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી









