♦મહીસાગર જિલ્લાના ગેગડીયા ખાતે પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો
**

અમીન કોઠારી મહીસાગર
‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં પાયાનું શિક્ષણ અને બાળ આરોગ્ય અત્યંત મહત્વપૂર્ણ: પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડા
**

લાભાર્થીઓને પોષણ કીટ, THR વિતરણ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું કરાયું સન્માન
**
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગેગડીયા ખાતે ‘વિકસિત ભારત-જન સેવા અભિયાન’ અંતર્ગત જિલ્લા પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ભવ્ય ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, જેમ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે ઉત્સાહનો માહોલ સર્જાય છે, તેમ નાનાં બાળકો જ્યારે બાલવાડી કે આંગણવાડીમાં પ્રથમ પગરણ માંડે ત્યારે તેમના સર્વાંગી ઉછેર અને પાયાના શિક્ષણ માટે રાજ્ય સરકારે ‘આંગણ મિલન’ જેવો સુંદર અભિગમ અમલમાં મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાયાના શિક્ષણ અને બાળ આરોગ્યને સુદ્રઢ બનાવી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે. મંત્રી એ આંગણવાડી કાર્યકર બહેનોની સેવાભાવનાની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું કે, આ બહેનો નાના બાળકોની સંભાળથી લઈને સગર્ભા-ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાની ભગીરથ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે.
આ તકે તેમણે ભવિષ્યની પેઢીને કુપોષણમુક્ત અને નિરોગી રાખવા માટે ખેડૂતો તેમજ ગ્રામજનોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક આહાર તરફ વળવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘મારી આંગણવાડી, મારી જવાબદારી’ ભાવના હેઠળ આંગણવાડીમાં આવતા દરેક બાળકને પૌષ્ટિક સુખડી, મિલેટ્સ તેમજ તાજો ગરમ નાસ્તો સુનિશ્ચિત કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વર્ગના બાળકો પણ કુપોષણનો ભોગ ન બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન થકી દીકરીઓ શિક્ષિત અને સક્ષમ બની રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપી રહી છે.










