અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વિવિધ આયુર્વેદલક્ષી કાર્યક્રમો યોજાયા

નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. જગદીશ એમ. ખરાડીના માર્ગદર્શન હેઠળ આજે અરવલ્લી જિલ્લામાં ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત, મોડાસા ખાતે વિવિધ આયુર્વેદલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત ખાતે ગાયત્રી યજ્ઞ તથા ધન્વંતરી પૂજન યોજાયું હતું. સાથે સાથે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ, પ્રકૃતિ પરીક્ષણ, અપરાજિતા ટી, લાલલી વનસ્પતિ પ્રદર્શન તેમજ ચાર્ટ પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો તથા કર્મચારીઓને આયુર્વેદ અને પ્રાકૃતિક જીવનશૈલીના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન તથા જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ દ્વારા નિદાન મુલાકાત લેવામાં આવી હતી તેમજ આયુર્વેદના વિવિધ આયામોની માહિતી મેળવવામાં આવી હતી. આ પ્રસંગે આયુર્વેદ વિભાગના વિવિધ કર્મચારીઓ દ્વારા આયુર્વેદની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના કર્મચારીઓ તેમજ જાહેર જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આયુર્વેદલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.










