400થી વધુ ડમી સિમકાર્ડથી સાયબર ઠગાઈનું નેટવર્ક, ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડિંગ અને ફોરેક્સ ટ્રેડિંગમાં વધુ નફો કમાવવાની લાલચ આપી રૂ.45.22 લાખની છેતરપિંડીના ગુનાનો પર્દાફાશ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદીને “Profit Strategy Room 27” નામના વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફો મેળવવાની લાલચ આપી “MARK CM” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આરોપીઓએ અલગ-અલગ 8 બેંક ખાતામાં 4 માર્ચથી 4 એપ્રિલ 2026 દરમિયાન કુલ રૂ.45,22,000 જમા કરાવ્યા હતા. બાદમાં પૈસા ઉપાડવા માટે વધુ રૂ.56,41,600 જમા કરાવવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ અગાઉ જમા કરાવેલી રકમ પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી.

સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં કરણ ભાષાણી, સર્વેશ ઉર્ફે ગનુ પાટીલ, સુબોધ શર્મા ઉર્ફે રાજુ અને આર્યનકુમાર ઉર્ફે લવ પંચાલની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઇલ ફોન, કિંમત અંદાજે રૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટેકનિકલ તપાસમાં એક આરોપીના મોબાઇલ ડિવાઇસમાંથી છેલ્લા ત્રણ મહિનામાં 400થી વધુ સિમકાર્ડનો ઉપયોગ થયાનું સામે આવ્યું છે. આ સિમકાર્ડના માધ્યમથી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરી ભારત ઉપરાંત કંબોડિયા, દુબઈ અને વિયેતનામમાં રહેલા સાયબર ઠગો દ્વારા ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.

વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીઓ દ્વારા વપરાયેલા ડમી સિમકાર્ડના નંબરને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસતા 44 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું અને તેમાં આશરે રૂ.6 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થયેલી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચારેય આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હો તો તાત્કાલિક 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો