ઝઘડિયાના ઉચેડિયા ગામે ગણેશ મંડપ પર વીજળી ત્રાટકી : ધડાકાભેર વીજળી પડતા મંડપને નુકશાન

યુવાનોનો આબાદ બચાવ થયો

ગણેશજીની કૃપાથી મોટો અકસ્માત ટળ્યો: ૫ જેટલા આયોજકો હાજર હોવા છતાં કોઈ જાનહાનિ નહીં, મંડપને નુકસાન થયું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાન ફાડી નાખે તેવા વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદ વચ્ચે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે એક હૃદયધબકાવી દે તેવી ઘટના સામે આવી છે. ગામના વડ ફળિયા ખાતે આવેલ ગણેશ મંડપ પર અચાનક આકાશી વીજળી ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની વિગતો અનુસાર,ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત વડ ફળિયાના મંડપમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં તૈયારીઓ ચાલી રહી હતી આ દરમિયાન મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે ગર્જના સાથે વીજળી સીધી જ મંડપ પર પડી હતી. જે સમયે આ કાળમુખી વીજળી મંડપ પર પડી, ત્યારે આયોજન સમિતિના ૪ થી ૫ જેટલા ઉત્સાહી યુવાનો મંડપની અંદર જ હાજર હતા. વીજળી પડતાની સાથે જ એક પ્રચંડ ધડાકો થયો હતો અને સેકન્ડોના ભાગમાં ગણેશજીનો મંડપ ધરાશાયી થઈ ગયો હતો.
આકાશી આફત વચ્ચે ગણેશજીની કૃપાથી મંડપમાં હાજર તમામ યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. વીજળી ત્રાટકવાને કારણે મંડપના માળખાને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ પણ યુવાનને નાની-મોટી ઈજા સુદ્ધાં પહોંચી ન હતી.ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ સમગ્ર ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. ગણેશ મંડપ પર વીજળી પડી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા કલાકો સુધી ગ્રામજનોમાં ચિંતા અને ભયનો માહોલ છવાયેલો રહ્યો હતો. જોકે, તમામ યુવાનો સુરક્ષિત હોવાનું માલૂમ પડતાં ગ્રામજનો અને આયોજકોએ હાસકારો અનુભવી રાહતનો શ્વાસ લીધો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી









