વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સી. આર. પાટીલ અને ભૂરાભાઈ શાહની રજૂઆતને સફળતા : દક્ષિણ ગુજરાતના મુસાફરોને મુંબઈ–રાજસ્થાનની મુસાફરીમાં મળશે વધુ સુવિધા
નવસારી: નવસારીના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ટ્રેન નંબર 22933/22934 બાંદ્રા–જયપુર એક્સપ્રેસને હવે નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે. આ નિર્ણયથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસાફરોને મુંબઈ અને રાજસ્થાન તરફની મુસાફરીમાં મોટી સુવિધા મળશે.
નવસારી ખાતે આ મહત્વપૂર્ણ ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન નવસારીના મુસાફરોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બાંદ્રા–જયપુર એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆત બાદ રેલવે વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણયપ્રતિનિધિમંડળની રજૂઆતને પગલે હવે આ ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ મળતાં મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ સુવિધાનો લાભ નવસારી, ગણદેવી, બિલીમોરા, ચીખલી, જલાલપોર સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને પણ મળશે. ખાસ કરીને વેપાર, રોજગાર, શિક્ષણ અને વ્યવસાયિક કામકાજ માટે મુંબઈ તથા રાજસ્થાન તરફ વારંવાર મુસાફરી કરતા લોકો માટે આ સ્ટોપેજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.નવસારી ખાતે વધુ એક મહત્વપૂર્ણ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળતાં નવસારીની રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે અને દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે મુસાફરી વધુ સરળ બનશે.રેલવે સુવિધા બદલ આભાર વ્યક્ત બાંદ્રા–જયપુર એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળતાં સ્થાનિક આગેવાનો અને મુસાફરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. નવસારીના રેલવે વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી જોડાતા મુસાફરોમાં ખુશીની લાગણી પ્રસરી છે.








