છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં NH-56ના બાયપાસ માટે સર્વે શરૂ થતાં જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સર્વેની કામગીરી સામે પાવી-જેતપુર વન કુટીર ખાતેથી નગરજનો અને આગેવાનો રેલી કાઢી તાલુકા સેવા સદન પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી સર્વે તથા પ્રસ્તાવિત માર્ગ સામે વાંધો નોંધાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ બાયપાસના પ્રસ્તાવિત માર્ગમાં ખેડૂતોની કિંમતી ખેતીની જમીનો, રહેણાંક મકાનો, પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત સ્વામિનારાયણ મંદિર, શંકર ટેકરીનું પ્રાચીન શિવ મંદિર, મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને જેતપુરનું તળાવ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. તળાવ વિસ્તારમાંથી બાયપાસ પસાર થવાથી જળચર જીવો, પશુઓ અને પર્યાવરણને નુકસાન થવાની આશંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. સાથે જ તળાવના બ્યુટિફિકેશન અને તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની દરખાસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, પાણીની મુખ્ય સંપ અને પાઈપલાઈન જેવી સુવિધાઓ પણ અસરગ્રસ્ત થવાની શક્યતા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સ્થાનિકોનો સવાલ છે કે વિકાસના નામે મોટી સંખ્યામાં લોકોની જમીન અને જાહેર મિલકતો અસરગ્રસ્ત થતી હોય તો વૈકલ્પિક માર્ગ પર વિચાર કેમ ન કરવામાં આવે? સ્થાનિકોએ માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારો અને જાહેર ઉપયોગની મિલકતોને ધ્યાનમાં લઈ હાલના સર્વે અંગે પુનર્વિચાર કરવામાં આવે અને બાયપાસ માટે અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવે.