
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ગત 15 સપ્ટેમ્બરના રોજ ઝંપલાવનાર 24 વર્ષીય તુષારભાઈ રમેશભાઈ રાઠવા નામના યુવકનો મૃતદેહ આજે સવારે બોડેલી નજીક કોલિયારી ગામ પાસે આવેલા કેનાલના ગેટ પાસેથી મળી આવ્યો હતો. છોટાઉદેપુર નગરની ગુરુકૃપા સોસાયટીના સહજાનંદ પાર્કમાં રહેતા તુષારભાઈ ગત 15 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે ‘હું બજારમાં જાઉં છું’ તેમ કહી ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ બોડેલી નર્મદા મુખ્ય કેનાલમાં બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં ઝંપલાવ્યું હતું. યુવકના વોટ્સએપ સ્ટેટસ પરથી પરિવારજનોને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક 112 હેલ્પલાઇન પર જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં બોડેલીની 112 પોલીસ વાન સ્થળ પર પહોંચી હતી અને યુવકને બચાવવા માટે પોલીસ જવાને દોરડું નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં યુવક તણાઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓએ પોતાની પાસે ઉપલબ્ધ ટાયરની ટ્યુબ, દોરડાં અને સાડીઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ પણ યુવકની શોધખોળ માટે બોડેલી પહોંચી હતી, જોકે બે દિવસ સુધી શોધખોળ કરવા છતાં યુવકનો પત્તો લાગ્યો નહોતો. આજે સવારે કોલિયારી ગામ નજીક કેનાલના ગેટ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવતાં તેને બહાર કાઢવામાં આવ્યો હતો. બોડેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી









