MORBI:મોરબી પોલીસની પ્રસંશનીય કામગીરી: જ્વેલર્સમાંથી ચોરાયેલ ₹17.24 લાખનો 100% મુદ્દામાલ પરત અપાવ્યો, સોની સમાજ દ્વારા પોલીસ ટીમનું ભવ્ય સન્માન

250 જેટલા CCTV કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો; બંને આરોપીઓ ઝડપાયા

મોરબી:ગુનાનો ભેદ ઉકેલી નાગરિકોને ન્યાય અપાવવાની સાથે પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત કરતી ઉત્કૃષ્ટ કામગીરી મોરબી જિલ્લા પોલીસે કરી બતાવી છે. સરદાર રોડ પર આવેલી ‘રાધાકૃષ્ણ જ્વેલર્સ’ નામની દુકાનમાં થયેલી ₹17.24 લાખની મોટી ચોરીનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી, બંને આરોપીઓને ઝડપી પાડી 100% મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપાતા સમગ્ર સોની સમાજ દ્વારા પોલીસ અધિક્ષક સહિતની સમગ્ર ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
દીવાલમાં બાકોરું પાડી લાખોની ચોરી આચરી હતી – ઘટનાની વિગતો મુજબ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર રોડ પર આવેલી ફરિયાદીની ‘રાધાકૃષ્ણ જ્વેલર્સ’ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ગત 5 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ દુકાનની પાછળની દીવાલ તોડી બાકોરું પાડ્યું હતું અને અંદર પ્રવેશી ₹17,24,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

250 CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાનો ભેદ ઉકેલાયો – ચોરીના આ બનાવને ગંભીરતાથી લઈ મોરબી જિલ્લા પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના આશરે 250 જેટલા સીસીટીવી કેમેરા, ‘નેત્રમ’ સીસીટીવી નેટવર્ક અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધી તપાસ હાથ ધરાઈ હતી. બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીમાં સંડોવાયેલા બંને આરોપીઓને દબોચી લીધા હતા અને તેમની પાસેથી ચોરી થયેલો તમામ ₹17.24 લાખનો સોના-ચાંદીનો મુદ્દામાલ સુરક્ષિત રીતે કબજે કર્યો હતો.
‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત 100% મુદ્દામાલ મૂળ માલિકને સોંપાયો – પોલીસની આ સફળ કામગીરી બાદ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર પટેલના હસ્તે ફરિયાદીને તેમનો ચોરાયેલો 100% મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. મહેનતની કમાણીનો સંપૂર્ણ મુદ્દામાલ અકબંધ પાછો મળતાં ફરિયાદી અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સોની સમાજે પોલીસ અધિકારીઓનું કર્યું સન્માન – મોરબી જિલ્લા સોની સમાજના પ્રમુખ રશ્મીનભાઈ આડેસરા, મંત્રી નટુભાઈ પાટડીયા તેમજ આગેવાનો વજુભાઈ ખીચડીયા, દિનેશભાઈ વાગડીયા અને મનુભાઈ રાજાપરા સહિતના અગ્રણીઓએ જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ, નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ તથા સિટી એ-ડિવિઝનની તપાસ ટીમને બિરદાવી હતી. ટૂંકા ગાળામાં ગુનો ઉકેલી સમગ્ર મુદ્દામાલ પરત અપાવવા બદલ સોની સમાજે તમામ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.













