તા.28/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


44.600 ગ્રામ સોનું અને 1.160 કિલોગ્રામ ચાંદી મળીને કુલ રૂ.3,02,859 નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા અને ઘરફોડ ચોરીના બનાવો અટકાવી ગુનાઓ ઉકેલવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી. એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસે મોટી સફળતા મેળવી છે. ચુડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. ડાભી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે છતરીયાળા ગામે ચોરીનો મુદ્દામાલ છુપાવવામાં આવ્યો છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીના કબજા ભોગવટાવાળા મકાનમાંથી રૂ. ૩,૦૨,૮૫૯ની કિંમતના સોના અને ચાંદીના દાગીના ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપી નિકેશ ઉર્ફે નિખિલભાઈ કેશવભાઈ પરમાર રહે, છતરીયાળા, ચુડા, સુરેન્દ્રનગર વાળા પાસેથી સોનાના ચેઇન, સોનાનું પેન્ડલ, સોનાનો ઓમ, સોનાની બુટી જોડ, સોનાની વીંટી, સોનાનું કડુ, સોનાની વીંટી, ચાંદીના ઝુડા, ચાંદીની ઝાંઝરી, ચાંદીનું મંગળસૂત્ર સહિત પોલીસે આરોપી પાસેથી ૪૪.૬૦૦ ગ્રામ સોનું કિંમત રૂ.૨,૧૪,૬૫૩ અને ૧.૧૬૦ કિલોગ્રામ ચાંદી કિંમત રૂ. ૮૮,૨૦૬ મળીને કુલ રૂ. ૩,૦૨,૮૫૯ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનાનો ભેદ ઉકેલવામાં ચુડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એન. એ. ડાભી, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદિપસિંહ ઝાલા તેમજ અજયભાઈ ચીહલાની સરાહનીય કામગીરી રહી હતી.










