
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે કલેક્ટર ગાર્ગી જૈને ઓચિંતી મુલાકાત લઈ હોસ્પિટલની સારવાર વ્યવસ્થા, સ્વચ્છતા અને સ્ટાફની હાજરીનું નિરીક્ષણ કર્યું હતું. રાત્રિના આશરે 8 વાગ્યે થયેલી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમને મળતી સારવાર, દવાઓ અને હોસ્પિટલની અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ ફરજ પર હાજર સ્ટાફની વિગતો મેળવી હાજરીની પણ ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરતાં કેટલીક જગ્યાએ ક્ષતિઓ જોવા મળતાં કલેક્ટર ગાર્ગી જૈને સ્વચ્છતા વ્યવસ્થા તાત્કાલિક સુધારવા કડક સૂચનાઓ આપી હતી. હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થામાં સ્વચ્છતા, સમયસર સારવાર અને કર્મચારીઓની નિયમિત હાજરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. ઓચિંતી મુલાકાત દરમિયાન સ્વચ્છતામાં ક્ષતિ, સ્ટાફની ગેરહાજરી તેમજ કામગીરીમાં જોવા મળેલી ત્રુટિઓને ગંભીરતાથી લઈ CDMO અને RMOને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. કલેક્ટર ગાર્ગી જૈને હોસ્પિટલમાં આવતા દરેક દર્દીને યોગ્ય સારવાર અને જરૂરી સુવિધાઓ સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમજ સ્વચ્છતા અને સ્ટાફની હાજરી અંગે નિયમિત દેખરેખ રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી










