25 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પશુપાલન અને વેટરનરી વિજ્ઞાનનું જ્ઞાન સામાન્ય પશુપાલક સુધી તેની લોકભાષામાં પહોંચે તે અનિવાર્ય છે :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
ગાય એ માત્ર દૂધ આપનારું પશુ નથી, સમગ્ર સૃષ્ટિ અને માટીના આરોગ્યનો મૂળ આધાર છે:- અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ દાંતીવાડા ખાતે “કરન્ટ એડવાન્સીસ ઇન એનિમલ ઇમ્પ્રૂવમેન્ટ” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર અને એલ્યુમિનાઈ મીટનું આયોજન કરાયું હતું. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રો.વી.આર.મહેતા ઓડિટોરિયમ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના એનિમલ જેનેટિક્સ એન્ડ બ્રીડિંગ વિભાગ, વેટ્સ એલ્યુમિનાઈ એસોસિએશન સરદારકૃષિનગર (VAAS) અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વેટરનરી અને કૃષિ વિજ્ઞાનનું જ્ઞાન માત્ર પુસ્તકો કે અંગ્રેજી ભાષા પૂરતું સીમિત ન રહેતાં ગામડાંના છેવાડાના પશુપાલક સુધી તેની પોતાની બોલીમાં પહોંચવું જોઈએ. ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઇઝરાયેલ અને ચીન જેવા દેશો પોતાની માતૃભાષામાં વિજ્ઞાનનો વિકાસ કરીને સામાન્ય જનજીવન સુધી લઈ જવામાં સફળ રહ્યા છે. ભારતમાં પણ જ્યારે વેટરનરી વિજ્ઞાનની આધુનિક માહિતી સ્થાનિક ભાષામાં પશુપાલકો સુધી પહોંચશે, ત્યારે તેની વાસ્તવિક અસરકારકતા અને પરિણામોમાં અનેકગણો વધારો જોવા મળશે.
પશુ સંવેદના, કાઉ કમ્ફર્ટ અને દેશી જિનેટિક્સના મહત્વ પર પ્રકાશ પાડતાં અધ્યક્ષશ્રીએ પોતાના બ્રાઝિલ પ્રવાસનો સંસ્મરણ ટાંક્યા હતા કે, દાયકાઓ પહેલાં ભારતમાંથી ગયેલી કાંકરેજ ગાયો આજે પણ પરંપરાગત ‘ડચકારા’ના અવાજને ઓળખીને દોડી આવે છે, જે સાબિત કરે છે કે દેશી નસ્લના જિન્સમાં અદ્ભુત યાદશક્તિ સંગ્રહાયેલી હોય છે. તેમણે જણાવ્યું કે, પશુઓને માત્ર દૂધ, ફેટ કે નફાના માધ્યમ તરીકે ન જોતાં તેમની લાગણીઓ અને માનસિક શાંતિ (કાઉ કમ્ફર્ટ)નું પણ ધ્યાન રાખવું જોઈએ. પોતાના ફાર્મના પ્રયોગનો સંદર્ભ આપતાં તેમણે જણાવ્યું કે ગાયોને બંધિયાર રાખવાને બદલે મુક્ત રીતે ચરવા દેવાથી તેમની પાચનપ્રક્રિયા સુધરે છે અને દૂધ ઉત્પાદનમાં આપોઆપ ૮૦૦ થી ૯૦૦ ગ્રામનો વધારો નોંધાયો હતો, જે દર્શાવે છે કે વૈજ્ઞાનિક સંશોધનોમાં પ્રાણીઓની સંવેદનાનો સમાવેશ કરવો અનિવાર્ય છે.
ગાયને સમગ્ર પ્રકૃતિ અને પર્યાવરણનો પાયો ગણાવતાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, જેમ સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે, તેમ જમીનની તંદુરસ્તી અને પોષક તત્વોનો મૂળ આધાર ગાય છે. ગાયનું છાણ અને ગૌમૂત્ર જમીનની ગુણવત્તા જાળવવા માટે અતિ મૂલ્યવાન છે. તેમણે દેશી ગાયના ગૌમૂત્રમાંથી પાવડર બનાવી તેમાંથી ૩૦ ટકા કુદરતી પોટાશ મેળવવામાં મળેલી સફળતાની વિગતો આપતાં જણાવ્યું કે, જે પોટાશ આપણે મોંઘા ભાવે વિદેશમાંથી આયાત કરવો પડે છે તે ગૌમૂત્ર દ્વારા દેશમાં જ ઉપલબ્ધ થઈ શકે તેમ છે. આ દિશામાં સંશોધનો આગળ વધારીને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડી શકાય છે અને ધરતી માતાનું સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે.બનાસ ડેરીના દેશવ્યાપી વિકાસ અને વેટરનરી ક્ષેત્રે ઊભી થતી નવી તકો અંગે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીનું કાર્યક્ષેત્ર હવે ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વિસ્તરી રહ્યું છે. એકલા ઉત્તર પ્રદેશના ૨૭ હજારથી વધુ ગામોમાં બનાસ ડેરી પહોંચી છે, જ્યાં ૧.૩૦ કરોડથી વધુ ભેંસોની વસ્તી છે. સહકારી માળખા થકી છેવાડાના ગામો સુધી પશુ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ચાલુ વર્ષે ૫૦ થી વધુ અને આગામી સમયમાં દર વર્ષે ૧૦૦ થી ૨૦૦ નવા વેટરનરી ડોક્ટરોની જરૂરિયાત ઊભી થશે. બનાસ ડેરી જાપાનીઝ ‘ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ’ (TQM), કાઈઝન અને ભારતીય માનવીય મૂલ્યોના સમન્વયથી એક અનોખી કાર્યસંસ્કૃતિ બનાવી રહી છે, જેના કારણે સિવિલ સર્વિસ અને ભારતીય સેનાના નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓ પણ બનાસ સાથે જોડાઈ રહ્યા છે. સાથોસાથ સંસ્થા દ્વારા માનવ કલ્યાણ અર્થે ગર્ભસંસ્કાર જેવા સામાજિક આયામો પણ અમલી બનાવાયા છે.આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.એન.એચ. ટાંક, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. એમ. ચંદેલ, વેટરનરી વિભાગના ઉચ્ચ અધિકારીશ્રી ચિંતનભાઈ, લમ્પી ત્વચા રોગ રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરનાર અધિકારી સુશ્રી ફાલ્ગુનીબેન ઠાકર, વરિષ્ઠ તજજ્ઞો ડૉ. કોડીકા, ડૉ. ચૌહાણ, ડૉ. હરિભાઈ, ડૉ. જગદીશભાઈ તેમજ વિવિધ મહાવિદ્યાલયોના પ્રિન્સિપાલશ્રીઓ, પશુપાલન વૈજ્ઞાનિકો, વેટ્સ એલ્યુમિનાઈ સભ્યો અને મોટી સંખ્યામાં પશુચિકિત્સક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















