
સાબરકાંઠા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી એચ.પી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રજાલક્ષી પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઇન્ચાર્જ કલેક્ટરશ્રી એચ.પી. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલે જિલ્લામાં શાળાઓના ઓરડા, પીવાના પાણી, જર્જરીત મકાનો, શાળાની જમીન, ગ્રામ પંચાયતના મકાનોના બાંધકામ, નલ સે જલ, રોડ રસ્તા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાએ બેઠકમાં સર્વિસ રોડ, હિંમતનગર શહેરી વિસ્તારના રસ્તાઓ, નવી મંજૂર થયેલી માધ્યમિક શાળાઓનાં ટેન્ડર શાળાઓની સુવિધા, જમીન સંબંધિત, વીરાવાડા ખાતે મોબાઈલ ટાવર, રવિ સિઝન માટે પાણી છોડવા તેમજ તળાવ ભરવા સહિતના વિવિધ વિભાગોને લગતા પ્રજાલક્ષી પ્રશ્નો, વિકાસલક્ષી કામગીરી તેમજ સરકારી કચેરીઓના વહીવટી પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને રજૂ થયેલા પ્રશ્નોની ગંભીરતાથી સમીક્ષા કરી, પરસ્પર સંકલન જાળવીને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અને પ્રશ્નોનો સમયમર્યાદામાં સંતોષકારક નિકાલ લાવવા સૂચના આપી હતી.
બેઠકના બીજા તબક્કામાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ પેન્શન સંબંધિત કેસોમાં જરૂરી કાર્યવાહી સમયસર પૂર્ણ કરી કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી કિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સક્સેના, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









