
સમીર પટેલ, ભરૂચ

**
****
*જનહિતના પ્રશ્નોનું સમયસર નિરાકરણ, વિભાગો વચ્ચે સંકલન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અધિકારીઓને સૂચનો અપાયા*
****
*ધારાસભ્યશ્રીઓએ રજૂ કરેલા પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક પરામર્શ કરાયો*
*****
ભરૂચ : શનિવાર : ભરૂચ જિલ્લા કલેકટરશ્રી નવનાથ ગવહાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા સાથે જનહિતને લગતા પ્રશ્નો, પડતર ફરિયાદો અને વિકાસલક્ષી બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટરશ્રીએ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને યોગ્ય નિરાકરણ લાવવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
બેઠકના પ્રથમ ભાગમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ ફરિયાદ નિવારણ અંતર્ગત વિવિધ પડતર પ્રશ્નો રજૂ કર્યા હતા.આરોગ્ય, પાણી, રસ્તા, નેશનલ હાઇવેના બિસ્માર રોડની મરામત, ભાડભૂત બરેજ પ્રોજેક્ટની સમિક્ષા સહીતના લોકહિતલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
NHAI ને રાજપીપલા ચોકડી અને ઝાડેશ્વર સર્વિસ રોડ, અંદાડા-માંડવા વચ્ચે ડામર કામ,અમરાવતી ખાડી બ્રિજ પર નવો બ્રિજ અને હાઇવેની મરામતની કામગીરી અને નેશનલ હાઈવેના બ્રિજ નીચેની સાફ-સફાઈ કરવાના સૂચનો કરવામાં આવ્યા હતા.
ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી, ભાડભૂત બેરેજ યોજના થકી ગ્રામ્ય,શહેરી અને ઔદ્યોગિક એકમોમાં પાણી સુવિધા,નવ ગામ યોજના,૧૫થી વધુ ગામોમાં પાણીની લાઈન,બોક્સ ગટર લાઈન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રજૂ થયેલા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વધુમાં ઈ.એસ.આઈ.સી.હોસ્પિટનો વ્યાપ વધારીને ઔદ્યોગિક કામદારો સુધી તેની સુવિધા પહોચે તે માટે આયોજન કરવા સાથે ઓન વહિકલની સુવિધા વધારવા જણાવ્યું હતું.
આ તકે, જિલ્લા કલેક્ટરશ્રીએ સેવાસેતુ કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારોના ૫૨ સેવા સેતુ કાર્યક્રમોમાં ૧,૧૮,૭૪૭ અરજીઓનો સંતોષકારક અને હકારાત્મક નિકાલ,શહેરી વિસ્તારના ૬ સેવાસેતુ કેમ્પોમાં આવેલી ૧૯,૮૫૩ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લાવવા બદલ તમામ અધિકારીઓની કામગીરીને બિરદાવવીને અભિનંદના પાઠવ્યા હતા.
આ બેઠકમાં ભરૂચ જિલ્લાની સંકલન સમિતિ ૨. ૦૦ હેઠળ વિવિધ વિભાગોની કામગીરીનું રિવ્યુ કરવામાં આવ્યું હતું. બાકી રકમો,વેરા વસુલાત,વિવિધ કચેરીઓમાં બંધ પડેલ વાહનોની હરાજી અને વહેલી ટકે બાકી રહેલ કામગીરીઓ પૂર્ણ કરવામાં ખાસ તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા , નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.બી. ભોગાયતા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને સંકલન સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*******









