નર્મદા : સરદાર સાહેબની જન્મ જ્યંતીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે સજ્જ થઈ રહ્યું છે એકતાનગર

નર્મદા : સરદાર સાહેબની જન્મ જ્યંતીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે સજ્જ થઈ રહ્યું છે એકતાનગર

 

મહેમાનો અને મુલાકાતીઓની સુવિધા માટે પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, પરિવહન અને સુરક્ષા વ્યવસ્થાઓ પર વિશેષ ભાર

 

 

એકતા પરેડમાં વિવિધ સ્થળોએ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા સાથે વાહનોના સુવ્યવસ્થિત સંચાલન માટે તંત્ર દ્વારા સઘન આયોજન

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તા. ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો, મુલાકાતીઓ અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે રાજ્ય અને જિલ્લા સ્તરે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાથી લઈને સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા, પીવાના પાણી, વીજ પુરવઠા, આવાસ અને ભોજન જેવી આવશ્યક વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વાહનચાલકોને પાર્કિંગની મુશ્કેલી ન પડે તે માટે એકતાનગર અને આસપાસના વિસ્તારોમાં વિવિધ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરુડેશ્વર APMC, કોયારી ચોકડી હોસ્પિટાલિટી ગ્રાઉન્ડ, ખડકદા રોડ, પોઇચા સ્વામિનારાયણ મંદિર નજીક, ફર્ન હોટેલની બાજુમાં તથા રેવા ભવન નજીક સહિતના સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા માટે આયોજન હાથ ધરાયું છે. આ પાર્કિંગ સ્થળોએ જમીનનું લેવલિંગ, સાફ-સફાઈ અને વાહનોના સુવ્યવસ્થિત સંચાલન માટે જરૂરી કામગીરી કરવામાં આવી છે.

મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ સ્થળોએ પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ પરિવહન વ્યવસ્થા, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા તથા સંદેશાવ્યવહારની વ્યવસ્થાઓનું સંકલિત આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકતાનગર ખાતે ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો દ્વારા કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ સમિતિઓ વચ્ચે સંકલન જાળવીને કાર્યક્રમને સુવ્યવસ્થિત, સલામત અને મુલાકાતીઓ માટે સુવિધાજનક બનાવવા તંત્ર દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો