HALVAD:હળવદ સ્પાના હિસાબ બાબતે તકરારમાં પૂર્વ ભાગીદારે યુવક અને તેની માતા પર લોખંડના ઝારા વડે કર્યો હુમલો, પોલીસ ફરિયાદ દાખલ
હળવદની રઘુનંદન સોસાયટીમાં ધંધાકીય ભાગીદારીના હિસાબ મામલે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પૂર્વ ભાગીદારે ઘરે આવી યુવક અને તેની માતા પર લોખંડના ઝારા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, હળવદની રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરૂભાઈ ડાભી (ઉં.વ. ૩૦)એ તે જ સોસાયટીમાં રહેતા કરણસિંહ દિલુભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રકાશભાઈએ આજથી ત્રણ વર્ષ પૂર્વે આરોપી કરણસિંહ સાથે મળીને ધ્રાંગધ્રાના ગોકુલધામ કોમ્પ્લેક્ષમાં ‘એપલ સ્પા’ પાર્ટનરશીપમાં શરૂ કર્યું હતું. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી બંને વચ્ચે સ્પાના હિસાબ-કિતાબ બાબતે મનદુઃખ ચાલી રહ્યું હતું.
આ અદાવતનો ખાર રાખી આરોપી કરણસિંહે પ્રકાશભાઈના ઘરે પહોંચી ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ પૂરી તળવાના લાકડાના હાથાવાળા લોખંડના ઝારા વડે પ્રકાશભાઈની પીઠના ભાગે હુમલો કર્યો હતો. આ દરમિયાન પ્રકાશભાઈના માતા કંચનબેન વચ્ચે પડતાં આરોપીએ તેમના પર પણ ઝારા વડે હુમલો કરી પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપી બંનેને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે પ્રકાશભાઈ ડાભીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણસિંહ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









