વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

આગામી ૨જી ઓક્ટોબર ૨૦૨૬ એટલે કે ગાંધી જયંતીના દિવસે નવરચિત વાવ-થરાદ જિલ્લાની સ્થાપનાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ ઐતિહાસિક અવસરની સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવાના ભાગરૂપે વિવિધ જનભાગીદારીલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે થરાદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વાવ-થરાદના નિવાસી અધિક કલેક્ટર શ્રી તુષાર જાનીના અધ્યક્ષસ્થાને પત્રકાર મિત્રો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના પ્રથમ સ્થાપના દિવસની રૂપરેખા આપી સૌ નાગરિકોને આ ગૌરવપૂર્ણ ઉત્સવમાં સહભાગી થવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો.
નિવાસી અધિક કલેક્ટર શ્રી તુષાર જાનીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ૨જી ઓક્ટોબરના રોજ જિલ્લાની સ્થાપનાનું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે તંદુરસ્તી અને પર્યાવરણનો સંદેશ આપતી ભવ્ય સાયક્લોથોન તેમજ સ્થાનિક કલા-વારસાને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ આયોજન કોઈ ઔપચારિક કે બંધિયાર કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર વાવ-થરાદ જિલ્લાના નાગરિકોનો એક પારિવારિક ઉત્સવ છે. અહીંના લોકો અને વહીવટી તંત્ર બંને આ ઉત્સવના સહિયારા યજમાન છે. બાળકો, યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત સૌ નગરજનો આ ગૌરવવંતા અવસરે સ્વયંભૂ જોડાય તેવી તેમણે હાર્દિક અપીલ કરી હતી.
નવા જિલ્લાની રચનાથી સામાન્ય જનજીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં આ સરહદી વિસ્તારના સામાન્ય અરજદારોને મહેસૂલી, વહીવટી કે ન્યાયિક પ્રક્રિયા માટે છેક ૧૨૦ કિલોમીટર દૂર પાલનપુર સુધી જવું પડતું હતું. મુદત પડે ત્યારે આખો દિવસ, મુસાફરીનો શ્રમ અને આર્થિક ખર્ચ વેઠવો પડતો હતો. હવે કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરી જેવી સર્વોચ્ચ સેવાઓ થરાદ ખાતે જ ઉપલબ્ધ બનતાં નાગરિકોનો સમય અને નાણાં બચી રહ્યા છે અને પારદર્શક વહીવટ ઘરઆંગણે સુલભ બન્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, આજે વાવ-થરાદ વિસ્તારમાં આર્થિક સમૃદ્ધિ અને વિકાસ નોંધપાત્ર રીતે વધ્યા છે. આધુનિક પ્રગતિની સાથે સાથે અહીંના પ્રજાજનોએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને પ્રેમાળ આતિથ્ય સત્કારને અકબંધ રાખ્યા છે. પ્રથમ વર્ષ દરમિયાન વહીવટી તંત્રનો મુખ્ય પ્રયાસ તમામ કચેરીઓને સુદ્રઢ કરવાનો અને ભાડાના મકાનોમાંથી મુક્ત કરી કાયમી માળખાગત સુવિધાઓ ઊભી કરવાનો રહ્યો છે. આવનારા પાંચ વર્ષમાં વાવ-થરાદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં વિકાસ અને સુશાસન ક્ષેત્રે અગ્રણી હરોળમાં સ્થાન મેળવે તેવો વહીવટી સંકલ્પ છે. તેમણે વાવ-થરાદની ખરી ક્ષમતા, સકારાત્મકતા અને વિકાસગાથાને સોશિયલ મીડિયા તેમજ જાહેર માધ્યમો દ્વારા વિશ્વ સમક્ષ ગર્વપૂર્વક રજૂ કરવા આહવાન કર્યું હતું.










