MORBI:મોરબીમાં તસ્કરોનો આતંક: સરદાર રોડ પર જવેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડી ₹૧૭.૨૪ લાખના સોના-ચાંદીની ચોરી
મોરબી:શહેરના વ્યસ્ત સરદાર રોડ પર આવેલી જાણીતી રાધાકૃષ્ણ જવેલર્સમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. તસ્કરોએ રાત્રિના સમયે દુકાનની પાછળની દિવાલમાં મોટું બાકોરું પાડી પ્રવેશ કર્યો હતો અને રૂ.૧૭.૨૪ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ઘટનાની વિગતવાર માહિતી:સરદાર રોડ પર ખારાકુવા વાળી શેરી પાસે રહેતા અને છેલ્લા ૨૫ વર્ષથી રાધાકૃષ્ણ જવેલર્સ ચલાવતા ૪૫ વર્ષીય સોની વેપારી દિપકભાઈ જયંતિભાઈ માંડલીયા સાતમ-આઠમના તહેવાર નિમિત્તે ગત તા.૦૩ સપ્ટેમ્બરના રોજ દુકાન બંધ કરીને પરિવાર સાથે રાજકોટ ગયા હતા.
ત્યારબાદ ગત તા.૦૭ સપ્ટેમ્બરના રોજ સવારે જ્યારે તેમણે દુકાન ખોલી ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો. બારીકાઈથી તપાસ કરતા દુકાનની પાછળની દિવાલમાં મોટું બાકોરું પાડેલું જોવા મળ્યું હતું.
ચોરી થયેલ મુદ્દામાલ:સોનાના દાગીના: ૨૪ ગ્રામ (કિંમત રૂ. ૨.૭૪ લાખ) ચાંદીના દાગીના: ૬.૨૫ કિલોગ્રામ (કિંમત રૂ. ૧૨.૫૦ લાખ) ચાંદીનો ભંગાર: ૧.૫૦ કિલોગ્રામ (કિંમત રૂ. ૨.૦૦ લાખ) કુલ મત્તા: રૂ. ૧૭,૨૪,૦૦૦ CCTVમાં કેદ થઈ ઘટના, પોલીસ તપાસ શરૂ: દુકાનના સીસીટીવી ફૂટેજ ચકાસતા માલૂમ પડ્યું હતું કે ગત તા.૦૫ સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે ૨:૪૫ વાગ્યાના સુમારે અજાણ્યો ચોર પાછળની દિવાલ તોડીને દુકાનમાં ઘૂસ્યો હતો. આ બનાવ અંગે દિપકભાઈ માંડલીયાની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.










