
અખિલ ગુજરાત ગરબા સ્પર્ધામાં ૨૦૦ જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રજૂ કરી ૧૯ ગરબાની મનમોહક પ્રસ્તુતિ

*****
રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા, રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા તથા રોટરી ક્લબ ઈડરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ઈડર ટાઉન હોલ ખાતે ‘સ્વ. ભદ્રાબેન સતિયા અખિલ ગુજરાત ગરબા સ્પર્ધા-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે ૨૦૦ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લઈ પ્રાચીન અને અર્વાચીન એમ બે વિભાગમાં કુલ ૧૯ ગરબાની આકર્ષક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
સ્પર્ધાના પ્રાચીન ગરબા વિભાગમાં પ્રથમ ક્રમે અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર, દ્વિતીય ક્રમે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, સાબરકાંઠા તથા તૃતીય ક્રમે વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, રાજકોટ અને શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ, સુરેન્દ્રનગર સંયુક્ત વિજેતા રહ્યા હતા.
અર્વાચીન ગરબા વિભાગમાં પ્રથમ ક્રમે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, સાબરકાંઠા, દ્વિતીય ક્રમે બ્લાઈન્ડ પીપલ એસોસિએશન, વસ્ત્રાપુર-અમદાવાદ તથા તૃતીય ક્રમે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, વિસનગર વિજેતા બન્યા હતા.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઉષાબેન ગામિત, ઈડર નાગરિક બેંકના ચેરમેન શ્રી ચિરાગભાઈ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગાયિકા અમિતા કનાલની ‘જય અધ્યશક્તિ નવી આરતી’નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.
સમાપન સમારોહમાં યુવા સર્જક તથા લેખક શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ, સંગીતકાર શ્રી કમલેશભાઈ વૈદ, રમતગમત અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન શ્રી યુસુફી કાપડિયા તથા રોટરી ક્લબના શ્રી બી. ટી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા










