કામરેજ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં શેખપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલી હરિદર્શન સોસાયટીની વાડીમાં રૂપિયા પાંચ લાખના ખર્ચે ભવ્ય પતરાના ડોમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વિકાસકાર્યનું આજરોજ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને પંચાયતના પ્રતિનિધિઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ વિકાસકાર્ય માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનસુરિયા તથા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદીની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટના માધ્યમથી હરિદર્શન સોસાયટીની વાડીમાં પતરાના ડોમનું નિર્માણ કરવામાં આવશે. ડોમનું નિર્માણ પૂર્ણ થયા બાદ સોસાયટીના રહેવાસીઓને સામાજિક, ધાર્મિક અને વિવિધ સામૂહિક પ્રસંગોના આયોજન માટે ઉપયોગી સુવિધા ઉપલબ્ધ થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે શેખપુર ગ્રામ પંચાયતનાં તલાટી બીજલબેન, સરપંચ લીલાબેન, ડેપ્યુટી સરપંચશ્રી તથા પંચાયતના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે હરિદર્શન સોસાયટીના પ્રમુખ મનુભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કિશોરભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા. લોકોની સેવા કરવામાં વિશેષ આનંદ અનુભવતા અને લોકસેવાની ભાવના ધરાવતા કિશોરભાઈ દુધાતની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું.
હરિદર્શન સોસાયટીની વાડીમાં ડોમનું નિર્માણ થવાથી સોસાયટીના નાગરિકોને વિવિધ પ્રસંગો માટે સુવિધાયુક્ત સ્થળ મળશે. રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટથી હાથ ધરવામાં આવનાર આ વિકાસકાર્ય સ્થાનિક લોકો માટે ઉપયોગી સાબિત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસકાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય અને તેનો લાભ સોસાયટીના તમામ નાગરિકોને મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત











