અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – લેન્ડ ગ્રેબીંગની અરજીના સ્થળ પંચનામા દરમિયાન ડચકામાં મારામારીનો આક્ષેપ – ચાર શખ્સો સામે મેઘરજ પોલીસમાં ફરિયાદ
જમીન વિવાદમાં પિતા-સાક્ષીને માર માર્યાની ફરિયાદ, ચાર શખ્સો સામે મેઘરજ પોલીસમાં ફરિયાદ

મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડચકા ગામે જમીન વિવાદને લઈને લેન્ડ ગ્રેબીંગની અરજીના અનુસંધાને સ્થળ પંચનામું કરવા ગયેલા અરજદાર પક્ષ સાથે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ચાર શખ્સો સામે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, ફરિયાદીના દાદા અરજનભાઈ ઝાલાભાઈ ખાંટે વર્ષ 2021માં ડચકા ગામે સર્વે નં. 248 (143)ની જમીન રૂ. 4.51 લાખમાં વેચાણ રાખી હતી. જમીનના હક અને કબજાને લઈને વિવાદ ચાલતો હોવાથી ફરિયાદી મહેન્દ્રસિંહ રૂપાભાઈ ખાંટે તા. 12 ઓગસ્ટ 2026ના રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટરને ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ-2020 હેઠળ અરજી કરી હતી.આ અરજીના અનુસંધાને તા. 3 ઓક્ટોબરના રોજ મેઘરજ મામલતદાર કચેરીના સર્કલ અધિકારી કાન્તીલાલ સુરજીભાઈ ખોખરીયા તથા સ્ટાફ સાથે ફરિયાદી પક્ષ ડચકા ગામે સ્થળ પંચનામું કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન ફરિયાદીના પિતા રૂપાભાઈ ખાંટ સાથે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ડચકા ગામના હિરાભાઈ માલાભાઈ ડામોરે લેન્ડ ગ્રેબીંગની અરજીમાં પોતાનું નામ કેમ લખાવ્યું તેમ કહી રૂપાભાઈ ખાંટને ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને માથા તથા ગાલના ભાગે લાફા મારી ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન કનુભાઈ ઉદાભાઈ ડામોર અને મનુભાઈ ચંદુભાઈ ડામોર પણ આવી રૂપાભાઈને ગાળો આપી માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.બીજી તરફ, ફરિયાદી પક્ષ સાથે આવેલા વાલાભાઈ અમરતભાઈ પગીને ચંદુભાઈ નાનાભાઈ ડામોરે બે-ત્રણ લાફા મારી જમીન પર પાડી ખેંચતાણ કરી ગડદાપાટુનો માર માર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.‘ફરીથી જમીન પર આવશો તો જીવતા નહીં છોડીએ’ની ધમકીનો આક્ષેપ
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે ચારેય શખ્સોએ જમીન અંગે ધમકી આપતાં જણાવ્યું હતું કે, આ જમીન તમને મળવાની નથી અને ફરીથી આ જમીન પર આવશો તો જીવતા છોડીશું નહીં. બનાવ દરમિયાન વધુ ઝઘડો ન થાય તે માટે ફરિયાદીના પિતાએ 112 પર ફોન કરતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.મારામારીમાં ઈજાગ્રસ્ત રૂપાભાઈ ખાંટને સારવાર માટે મેઘરજ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મહેન્દ્રસિંહ ખાંટની ફરિયાદના આધારે હિરાભાઈ માલાભાઈ ડામોર, કનુભાઈ ઉદાભાઈ ડામોર, મનુભાઈ ચંદુભાઈ ડામોર અને ચંદુભાઈ નાનાભાઈ ડામોર, ચારેય રહે. ડચકા, તા. મેઘરજ, વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.મેઘરજ પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.










