MORBI :મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ભવ્ય સફાઈ મહાઅભિયાન: મચ્છુ નદીના પટ સહિત વિવિધ વિસ્તારોમાં સઘન શ્રમદાન


મોરબી મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત “એક દિન, એક કલાક, એક સાથે” ના આહ્વાન હેઠળ મચ્છુ નદીના પટ સહિત વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ મહાઅભિયાન યોજાયું હતું. જોકે, આ સફાઈ કાર્યક્રમ દરમિયાન જ મચ્છુ નદીના પટમાં કથિત દબાણો અંગે સ્થાનિક સ્તરે અને મીડિયા દ્વારા તંત્ર સમક્ષ તીખા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા.
પદાધિકારીઓ અને સંસ્થાઓની વિશાળ ઉપસ્થિતિ:આ સફાઈ અભિયાનમાં રાજ્યસભાના સાંસદ, મોરબીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર, ડેપ્યુટી કમિશનર, શાસક પક્ષના નેતાઓ તેમજ તમામ કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત BAPS સ્વામિનારાયણ જેવી ધાર્મિક સંસ્થાઓ, રોટરી ક્લબ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં સફાઈ માટે જોડાયા હતા.

13 વોર્ડના 50 પોઈન્ટ્સ પર સઘન સફાઈ:મહાનગરપાલિકા દ્વારા શહેરના 13 વોર્ડમાં કુલ 50 જેટલા પોઈન્ટ્સ પર સઘન સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ખૂણે-ખૂણે પહોંચીને ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) સાફ કરવા માટે બહારથી 45 લોકોની ખાસ ટીમ પણ બોલાવવામાં આવી છે, જે આગામી 100 દિવસ સુધી મોરબીને સ્વચ્છ બનાવવા કાર્યરત રહેશે. આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત મોરબી બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે દંડનીય કાર્યવાહી વધુ કડક કરવાની જાહેરાત કરાઈ હતી.
સૌનું ભલું કરવા માટે મચ્છુ નદીના પટમાં BAPS મંદિરનું દબાણ કેમ ના હટે?”મોરબી સ્વચ્છ બને અને મંદિર બને તેને સહકાર, પણ નાના માણસોનું દબાણ હટે તો આ દબાણ કેમ ના હટે?”સફાઈ અભિયાન દરમિયાન મીડિયાકર્મીઓ દ્વારા આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તંત્ર દ્વારા સામાન્ય અને નાના ધંધાર્થીઓ સામે ડિમોલિશન કે દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ મચ્છુ નદીના પટમાં બની રહેલા BAPS સ્વામિનારાયણ મંદિરના બાંધકામ અને તેની દીવાલ અંગે કલેક્ટર દ્વારા હુકમ હોવા છતાં હજી સુધી યોગ્ય પગલાં કેમ લેવાયા નથી? મોરબી સ્વચ્છ બને અને ધાર્મિક સ્થાનો બને તે સારી બાબત છે અને સૌનો તેને સહકાર છે, પરંતુ જ્યારે કાયદો બધા માટે સમાન હોય ત્યારે નાના માણસોના દબાણ સામે કડકાઈ અને નદીના પટમાં આવેલા આવા દબાણો સામે ઉદાસીનતા કેમ?
તંત્ર અને નેતાઓનો પ્રત્યુત્તર:આ પ્રશ્નના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, આ વિષય માનનીય કલેક્ટર કક્ષાનો છે અને કલેક્ટર તરફથી જે પણ સૂચના આવશે તે મુજબ સંસ્થા ચોક્કસ અમલવારી કરશે. જ્યારે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબતે ગુણદોષ (મેરિટ્સ) તપાસીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

એક તરફ મોરબીને સ્વચ્છ અને નિર્મળ બનાવવાનો સંકલ્પ લેવાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ નદીના કુદરતી પ્રવાહ અને પટમાં થયેલા મોટા દબાણો સામે તંત્ર ક્યારે નિષ્પક્ષ પગલાં લેશે તે અંગે શહેરીજનોમાં ચર્ચા જાગી છે.













