ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી વચ્ચે 2027ની ચૂંટણીને લઈ નર્મદા AAP સંગઠન સક્રિય,


વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
નર્મદા, ચિકદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ચિકદા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બુથ સંગઠનને લઈને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી વચ્ચે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક કામગીરી પર ચર્ચા કરી હતી.
ચૈતર વસાવા હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા છે. વિધાનસભાના ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને તેમને વચગાળાના જામીન મળ્યા હતા, પરંતુ મુદત પૂર્ણ થયા બાદ તેઓ ફરી જેલમાં પરત ફર્યા છે.
ધારાસભ્યની ગેરહાજરી વચ્ચે AAPના સ્થાનિક કાર્યકરો દ્વારા ગામડે-ગામડે સંપર્ક, બુથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા તથા સ્થાનિક લોકોના પ્રશ્નો અને રજૂઆતોને સંગઠન સુધી પહોંચાડવા અંગે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પક્ષના હોદ્દેદારો સહિત સ્થાનિક આગેવાનો પણ સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે કાર્યકરો સાથે બેઠકો કરી રહ્યા છે.
આ સભા દરમિયાન આગામી સમયમાં બુથ સ્તરે સંગઠનાત્મક કામગીરીને વધુ વેગ આપવા અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક વધારવા અંગે ભાર મૂકાયો હોવાનું જણાવાયું છે. હવે ધારાસભ્યની ગેરહાજરી વચ્ચે સ્થાનિક સંગઠન આગામી સમયમાં કેવી રીતે કામગીરી આગળ ધપાવે છે અને 2027ની ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠકનું રાજકીય ચિત્ર કેવું રહે છે, તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.









