WAKANER:વાંકાનેરના શિવાલય શેલ્ટર હોમ ખાતે ભક્તિભાવ સાથે ‘શિવાલય કા રાજા’ની સ્થાપના: નિરાધારોના આંગણે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

વાંકાનેરમાં અનાથ અને નિરાધાર લોકો માટે આશીર્વાદરૂપ બનેલા ‘શિવાલય શેલ્ટર હોમ’ ખાતે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે દુંદાળા દેવ ગણપતિ બાપ્પાનું અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. શેલ્ટર હોમ પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે “શિવાલય કા રાજા”ની સ્થાપના કરવામાં આવી હતી.

જે લોકોને જીવનમાં પરિવારની હૂંફની સૌથી વધુ જરૂર છે, તેમના માટે શિવાલય શેલ્ટર હોમ હંમેશા એક મજબૂત આધાર બનીને ઊભું રહ્યું છે. ગણેશોત્સવના આ પાવન અવસરે વિઘ્નહર્તા પોતે આ પરિવારના એક સભ્ય બનીને બિરાજમાન થતાં સમગ્ર આશ્રમમાં દિવ્ય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું.
સ્થાપના પર્વ દરમિયાન આશ્રમના વડીલો અને રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને બાપ્પાની મંગળ આરતી તથા પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ સર્વના સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે ગજાનન પ્રભુના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી.











