તારીખ ૧૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુરેલી રોડ પર ભારત સિલિકા કંપની નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઝડપભેર અને ગફલતભરી રીતે આવી રહેલી ટ્રકના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતાં ૬૮ વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, હાલોલ તાલુકાના તારખંડા (ઉગમણું ફળિયું) ખાતે રહેતા કનકસિંહ સોમસિંહ ચાવડા નિવૃત પોલીસ કર્મચારી (ઉં.વ. ૬૮) પોતાની મોટરસાયકલ (નંબર: GJ-06-BS-3547) લઈને કામ અર્થે નીકળ્યા હતા. બપોરના આશરે ૧૩:૩૦ વાગ્યાના સુમારે વેજલપુર થી સુરેલી જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભારત સિલિકા કંપની નજીક ટ્રક (નંબર: GJ-08-W-0507) ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.ટક્કર વાગતા જ કનકસિંહ રોડ પર પટકાતાં તેમને શરીરે, માથાના ભાગે તથા બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અથવા તબીબી તપાસ બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મૃતકના પુત્ર હેમરાજસિંહ કનકસિંહ ચાવડા (ઉં.વ. ૪૧) ની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક (GJ-08-W-0507) ના ફરાર ચાલક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.











