MORBI:મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ‘ત્વચાનું વિજ્ઞાન અને જાહેરાતો પાછળ છુપાયેલા કેમિકલ્સ’ વિષય પર વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો

કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ખાતે વિદ્યાર્થીનીઓ માટે આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન

ચામડીના નિષ્ણાત ડૉ. વૈશાલી સરડવાએ કોસ્મેટિક્સની આડઅસરો અને ત્વચાના સાયન્ટિફિક સત્ય અંગે આપ્યું સચોટ માર્ગદર્શન
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને જાહેરાતોના પ્રભાવ હેઠળ યુવા પેઢીમાં ગોરા રંગ અને કેમિકલયુક્ત કોસ્મેટિક્સ ઉત્પાદનોનો મોહ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ ભ્રામક માન્યતાઓને તોડીને વૈજ્ઞાનિક સમજણ કેળવવાના ઉમદા હેતુ સાથે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા મોરબી સ્થિત કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ના સભાગૃહમાં એક વિશાળ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મોરબીના જાણીતા ત્વચારોગ નિષ્ણાત (M.D. Dermatologist) ડૉ. વૈશાલી સરડવા એ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બજારમાં મળતા ‘ઇન્સ્ટન્ટ ગ્લો’ અને ‘ફેરનેસ’નો દાવો કરતા મોટાભાગના ઉત્પાદનોમાં પારા (Mercury), સ્ટીરોઈડ્સ, પેરાબેન્સ અને હાનિકારક રસાયણોનું પ્રમાણ હોય છે, જે ત્વચાના કુદરતી માઇક્રોબાયોમને કાયમી નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, શરીરના હોર્મોન્સ અને રોગપ્રતિકારક શક્તિ પર પણ ગંભીર નકારાત્મક અસર કરે છે.
નિર્શિવ ફાઉન્ડેશન ના ફાઉન્ડર આરતી રોહન એ પણ દીકરીઓને સવિસ્તર સમજાવ્યું હતું કે ત્વચાનો કુદરતી ઘાટો કે ઘઉંવર્ણો રંગ એ કોઈ ખામી નથી, પરંતુ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે શરીરનું રક્ષણ કરતું કુદરતી કવચ (મેલેનિન) છે. આર્ટિફિશિયલ બ્લીચિંગ કે અનિયંત્રિત કેમિકલ્સ વાપરીને મેલેનિન ઓછું કરવું એ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હર્બલ અને નેચરલના નામે થતા ‘ગ્રીનવોશિંગ’ અને પ્રોડક્ટ પેકેજિંગ પરની એક્સપાયરી (PAO) ડેટ્સનું ધ્યાન રાખવા અંગે પણ વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપી ડૉ. વૈશાલી સરડવાએ તેમની શંકાઓનું સમાધાન કર્યું હતું. નિર્શિવ ફાઉન્ડેશનના આરતી રોહન દ્વારા ડૉ. વૈશાલી સરડવાનું સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ એ આ પ્રેરણાદાયી સેમિનારને બિરદાવ્યો હતો.














