રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદઃ નવેમ્બર મહિનામાં ખગોળપ્રેમીઓ માટે એક અદભુત અવકાશીય ઘટના નિહાળવાની તક ઊભી થઈ છે. આગામી તા. ૪ અને ૫ નવેમ્બરના રોજ દક્ષિણ ટોરીડસ (Southern Taurids) ઉલ્કાવર્ષા તેની મહત્તમ સક્રિયતાએ પહોંચવાની છે. આ દરમિયાન આકાશમાં ધીમી ગતિએ પસાર થતી તેજસ્વી ઉલ્કાઓ અને ક્યારેક અગનગોળા જેવી પ્રકાશમાન લકીરો જોવા મળી શકે છે. આ ખગોળીય ઘટનાને ધ્યાનમાં રાખીને ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા રાજ્યના નાગરિકોને આકાશદર્શન કરવા અને ખગોળવિજ્ઞાનમાં રસ કેળવવા અપીલ કરવામાં આવી છે.
જાથાના જયંત પંડયાના જણાવ્યા અનુસાર, ટોરીડસ ઉલ્કાવર્ષા તેની ધીમી ગતિએ પસાર થતી અને ક્યારેક અત્યંત તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરતી ઉલ્કાઓ માટે જાણીતી છે. આ ઉલ્કાઓને સામાન્ય રીતે ‘હેલોવીન ફાયરબોલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટોરીડસ ઉલ્કાવર્ષાના મુખ્ય બે પ્રકાર છે, જેમાં દક્ષિણ ટોરીડસ અને ઉત્તર ટોરીડસનો સમાવેશ થાય છે. દક્ષિણ ટોરીડસની મુખ્ય સક્રિયતા નવેમ્બર મહિનામાં જોવા મળે છે અને આ વર્ષે તા. ૪ અને ૫ નવેમ્બરની રાત્રે તેની મહત્તમ સક્રિયતા રહેવાની આગાહી છે.
આ ખગોળીય ઘટના પૃથ્વી જ્યારે 2P/Encke નામના ધૂમકેતુ દ્વારા અવકાશમાં છોડવામાં આવેલા ધૂળના કણો અને નાના અવશેષોના પ્રવાહમાંથી પસાર થાય છે ત્યારે સર્જાય છે. આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં ઘર્ષણને કારણે ગરમ થઈને પ્રકાશિત થાય છે, જેના પરિણામે આકાશમાં તેજસ્વી પ્રકાશની લકીરો જોવા મળે છે. કેટલીક ઉલ્કાઓ સામાન્ય કરતાં વધુ તેજસ્વી હોવાથી અગનગોળા જેવી દેખાય છે અને થોડી ક્ષણો માટે આકાશનો મોટો ભાગ પ્રકાશિત કરી શકે છે.
જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે ઉલ્કાવર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિ પછીથી પરોઢ પહેલાંનો સમય અનુકૂળ રહે છે. ખાસ કરીને શહેરની કૃત્રિમ લાઇટોથી દૂર, ઓછા પ્રકાશ પ્રદૂષણવાળા અને સ્વચ્છ આકાશ ધરાવતા સ્થળોએથી આકાશદર્શન કરવાથી ઉલ્કાઓ જોવાની શક્યતા વધી જાય છે. આકાશદર્શન માટે કોઈ વિશેષ સાધનની જરૂર પડતી નથી અને અનુકૂળ પરિસ્થિતિમાં નરી આંખે પણ આ નજારો નિહાળી શકાય છે.
ટોરીડસ ઉલ્કાવર્ષા અન્ય કેટલીક ઉલ્કાવર્ષાઓની સરખામણીમાં ઓછી સંખ્યામાં ઉલ્કાઓ ઉત્પન્ન કરે છે, પરંતુ તેની ખાસિયત તેજસ્વી અને ધીમી ગતિએ પસાર થતી ઉલ્કાઓ છે. સામાન્ય રીતે આ ઉલ્કાવર્ષા દરમિયાન કલાકદીઠ આશરે ૫થી ૧૦ ઉલ્કાઓ જોવા મળી શકે છે. જોકે, વાસ્તવિક સંખ્યા આકાશની સ્વચ્છતા, પ્રકાશ પ્રદૂષણ અને અન્ય કુદરતી પરિસ્થિતિઓ પર આધારિત રહે છે. આ ઉપરાંત, દક્ષિણ અને ઉત્તર ટોરીડસની સક્રિયતા એકબીજા સાથે મળતી હોવાથી નવેમ્બરના પ્રારંભમાં તેજસ્વી ઉલ્કાઓ જોવાની તક મળી શકે છે.
ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓમાં ખગોળવિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, પાલનપુર, હિંમતનગર, મોરબી, ગોધરા, પંચમહાલ, અરવલ્લી-મોડાસા, નર્મદા, તાપી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ-આહવા અને રાજપીપળા સહિતના વિસ્તારોમાં આકાશદર્શન માટે આયોજન અને તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જાથા દ્વારા જણાવાયું છે.
આ અભિયાનમાં રાજુ યાદવ, દિનેશ હુમ્બલ, હર્ષ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, નિર્મલ મેટ્રા, ભોજાભાઈ ટોયોટા, હર્ષાબેન પંડયા, ભાવનાબેન વાઘેલા, ભક્તિબેન રાજગોર અને ભાનુબેન સેઠિયા સહિતના સભ્યો જોડાયા છે.
જાથાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો, ખાસ કરીને બાળકો અને યુવાનોમાં આકાશદર્શનની જિજ્ઞાસા જગાવવાનો, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો અને ખગોળીય ઘટનાઓ અંગે વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાનો છે. આકાશમાં થતી આવી કુદરતી ઘટનાઓને નિહાળવાથી વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ભણેલા ખગોળવિજ્ઞાનને પ્રત્યક્ષ રીતે સમજવાની તક મળે છે. આથી, રાજ્યના નાગરિકો આ અવકાશીય ઘટનાનો લાભ લઈને પરિવાર અને બાળકો સાથે આકાશદર્શન કરે તેવી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર કરી શકાશે.










