વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર વડીલો, ખેડૂતો અને નાગરિકોનું કરાશે વિશેષ સન્માન.
ગ્રામ્યથી લઈને નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષા સુધી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી માટે વહીવટીતંત્ર દ્વારા કરાયું આયોજન.
ભુજ,તા-૨૫ ઓક્ટોબર : આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા,અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો માટે કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ કાર્યક્રમના સ્થળની પસંદગી,મંચ વ્યવસ્થા, લાઈવ પ્રસારણ માટે LED/TV સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓ અને એકતા રેલીના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી નિમિત્તે દરેક ગામ, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ એકથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના સફળ સંચાલન માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી અને આચાર્યના માર્ગદર્શનમાં ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમિતિ’ની રચના કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે મહાનગરપાલિકા કક્ષાએ મેયરના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરવામાં આવી છે.કાર્યક્રમની રૂપરેખા મુજબ ૩૧ ઓક્ટોબરના રોજ સાંજે ૫:૦૦ કલાકે વંદે માતરમ્ ગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાશે. સાંજે ૫:૩૦ થી ૭:૧૦ દરમિયાન એકતા પરેડ અને દેશના પ્રધાનમંત્રીનું ઉદ્બોધન રહેશે. ત્યારબાદ ૭:૧૦ થી ૭:૪૦ વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતેથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાશે.તમામ કાર્યક્રમમાં સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. સન્માન માટેની શ્રેણીઓમાં રાજ્ય કે રાષ્ટ્ર કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાગરિકો,૮૦ વર્ષથી વધુ વયના પ્રતિષ્ઠિત વડીલો,પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકો, સમાજસેવકો તથા સામાજિક સમરસતા માટે યોગદાન આપનાર પૂજારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કલેક્ટરએ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી,વીજળી, સ્વચ્છતા અને પ્રાથમિક સારવારની પૂરતી સુવિધા ઉપલબ્ધ રખાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. એકતા રેલીમાં ઢોલ-નગારા, દેશભક્તિના ગીતો અને પ્લેકાર્ડ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ,સહકારી મંડળીના સભાસદો, મહિલા સ્વસહાય જૂથો, યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે.આ બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, જિલ્લા રજિસ્ટ્રાર(સહકારી મંડળીઓ) મેઘા અગરવાલ સહિત ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા સંગઠનના આગેવાન ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











