નવસારી જિલ્લાના મેંધરમાં સરકારી જમીન પર તંત્રનો સપાટો: ૨૦થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણો દૂર

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

૪,૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ; ગેરકાયદે ઝીંગા તળાવ બનાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામે સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના બનાવવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્લોક નં. ૯૦૩, રી-સર્વે નં. ૬૮૪ની સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

મેંધર ગામના કાંઠા વિસ્તારના ગ્રામજનો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા હોવાની મૌખિક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હતી. ફરિયાદોને ગંભીરતાથી લઈ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાણીએ તપાસ અને કાર્યવાહી માટે સમિતિની રચના કરી હતી. સમિતિના અધ્યક્ષ તરીકે ચીખલીના પ્રાંત અધિકારી તથા સંબંધિત સભ્યો દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગત દિવસથી શરૂ થયેલી દબાણ હટાવવાની કાર્યવાહીમાં આજે વધુ ૨૦થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણો મળી આવતા અંદાજે ૪,૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. હાલ પણ દબાણ દૂર કરવાની કામગીરી સતત ચાલુ છે.

વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ હવે ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી મિલકત અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

ડિમોલિશનની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર તત્વો તથા ભૂમાફિયાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો