MORBI:મોરબીમાં ગેરકાયદે કતલખાનાઓ સામે હિન્દુ સંગઠનો લાલઘૂમ: પાલિકા કચેરી અને ગાંધી ચોકમાં લાગ્યા વિરોધ દર્શાવતા પોસ્ટરો

છેલ્લા ૯ વર્ષથી રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ
અશાંતિ સર્જાશે તો સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે: સંગઠનોની સ્પષ્ટ ચીમકી

મોરબી શહેરમાં ધાર્મિક સ્થળો, જાહેર માર્ગો અને રહેણાક વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદે કતલખાનાઓ તેમજ માંસ-મટન અને ઈંડાંની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તંત્રની લાંબી નિષ્ક્રિયતા સામે નારાજગી દર્શાવતા આજે મોરબી મહાનગરપાલિકા કચેરી તેમજ ગાંધી ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં વિરોધ પ્રદર્શિત કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
૯ વર્ષથી માત્ર આશ્વાસનો, નક્કર કાર્યવાહી શૂન્ય
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનોના જણાવ્યા મુજબ, પાલિકા હદ વિસ્તારમાં ચાલતા અનધિકૃત કતલખાનાઓ અને માંસ-મટનનું વેચાણ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું છે. છેલ્લા ૯ વર્ષથી આ મામલે ડેપ્યુટી કમિશનર, મેયર, સંબંધિત અધિકારીઓ અને રાજકીય આગેવાનોને મૌખિક તેમજ લેખિતમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર તરફથી માત્ર ખાતરીઓ જ મળી છે, જમીની સ્તરે કોઈ જ ઠોસ પગલાં લેવાયા નથી.
છત્રપતિ શિવાજી મહારાજના માર્ગે લડત આપવાનો નિર્ણય
વારંવારની રજૂઆતો છતાં પરિણામ ન મળતાં સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ ઘર્ષણ કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની રહેશે. આ સાથે જ હવે અન્યાય સામે ગાંધીચીંધ્યા માર્ગના બદલે છત્રપતિ શિવાજી મહારાજના વિચારો મુજબ આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સંગઠનોની યાદીમાં જણાવાયું છે.

આ વિરોધ પ્રદર્શન અને રજૂઆતમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, શિવસેના (શિંદે જૂથ), જય મહાકાલ ગ્રુપ, હિન્દુ રક્ષા દળ અને અખિલ વિશ્વ ગૌશાળા પરિષદ સહિતના અગ્રણી સંગઠનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે.














