Rajkot: રાજકોટમાં ‘સરસ મેળા’નો રંગ જામ્યો ૧૩ રાજ્યોના ૧૫૪ સ્વસહાય જૂથોના ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર; પાંચ જૂથોને રૂ. ૨૨ લાખની લોન સહાય

તા.૨૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ‘સરસ મેળા’નો ભવ્ય શુભારંભ

સખીમંડળોની બહેનોને આર્થિક રીતે પગભર બનાવી તેમના કૌશલ્યને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ : માર્કેટિંગ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા. ૦૫ નવેમ્બર સુધી ચાલનારા સરસમેળાની મુલાકાત લેવા અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ

Rajkot: રાજકોટના રેસકોર્સ ખાતે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘સરસ મેળો-૨૦૨૬’નો શુભારંભ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સખીમંડળની બહેનો આર્થિક રીતે પગભર બને તે દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની બહેનો ખૂબ જ ચીવટ અને મહેનતથી કામ કરી રહી છે અને પોતાના કૌશલ્યને વિવિધ ઉત્પાદનોના સ્વરૂપમાં બજાર સુધી પહોંચાડી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખુમારી, મહેમાનગતિ, ઉદારતા અને ઉદ્યોગસાહસિકતા એ આ વિસ્તારની આગવી ઓળખ છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની બહેનો પોતાની કળા અને કૌશલ્ય થકી આ વિસ્તારની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે. ‘સરસ મેળો’ જેવા આયોજનો દ્વારા આ બહેનોના ઉત્પાદનોને વિશાળ બજાર અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સખીમંડળની બહેનોને માર્કેટિંગ સપોર્ટ મળી રહે તથા ઈ-માર્કેટના માધ્યમથી તેમના ઉત્પાદનો અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સહાય કરવામાં આવી રહી છે. આ હેતુસર સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદનોને સ્થાનિક બજારની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નવી તકો ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, ‘સરસ મેળો’ માત્ર ઉત્પાદનોના વેચાણ માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ ગ્રામ્ય મહિલાઓની મહેનત, કૌશલ્ય અને આત્મવિશ્વાસને નવી ઓળખ આપતું એક સશક્ત માધ્યમ છે. સ્વસહાય જૂથોની બહેનો પોતાના કૌશલ્યને વ્યવસાયમાં પરિવર્તિત કરીને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે, તે ખરેખર પ્રોત્સાહન આપવા જેવી બાબત છે. આવા મેળાઓ થકી ગ્રામ્ય વિસ્તારના ગુણવત્તાસભર અને પરંપરાગત ઉત્પાદનો સીધા શહેરના ગ્રાહકો સુધી પહોંચે છે, જેના પરિણામે બહેનોને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવાની નવી તકો મળે છે. રાજકોટના નાગરિકો પણ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને આ બહેનોની મહેનતને પ્રોત્સાહન આપે અને ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને સાકાર કરે તે ખૂબ જરૂરી છે.

આ મેળો માત્ર ખરીદી-વેચાણ પૂરતો સીમિત ન રહેતાં ગ્રામ્ય મહિલાઓના કૌશલ્યને શહેરના ગ્રાહકો સુધી પહોંચાડવા અને તેમને પોતાના ઉત્પાદનો માટે નવી બજારની તક આપતું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. સ્વસહાય જૂથોની બહેનોને પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની સાથે તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની તથા બજારની જરૂરિયાતને સમજવાની તક પણ મળી રહી છે, તેમ લાભાર્થી શ્રી તૈઈબા રમઝાને જણાવ્યું હતું.

રાજકોટ ખાતે તા. ૨૫ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલા નેશનલ સરસ મેળા-૨૦૨૬માં દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૫૪ સ્વસહાય જૂથો જોડાયા છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, આસામ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોની મહિલા સ્વસહાય જૂથોની ભાગીદારી મેળાની રાષ્ટ્રીય વ્યાપકતાને ઉજાગર કરે છે. રાજકોટ જિલ્લાના ૪૩ જેટલા સખીમંડળો પણ મેળામાં સહભાગી બન્યા છે. આ તકે મેળાની મુલાકાત લઈને મહાનુભાવોએ મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રીય સરસ મેળામાં ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય આપવામાં આવી હતી. પાંચ સ્વસહાય જૂથોને કુલ રૂ. ૨૨ લાખની કેશ ક્રેડિટ લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક ક્લસ્ટર લેવલ ફેડરેશનને રૂ. ૩.૫૦ લાખનું સ્ટાર્ટઅપ ફંડ પણ આપવામાં આવ્યું હતું. આ નાણાકીય સહાયથી સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓને સ્વરોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવામાં મદદ મળશે. આ કાર્યક્રમમાં અમુલ પાર્લર શરૂ કરવાના મંજૂરી હૂકમો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સર્વે ધારાસભ્ય સર્વે શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા અને શ્રી ભાનુબેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશનલ કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સોમના વર્મા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પ્રિયાંક ગલચર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, સખીમંડળની બહેનો તથા સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો