તા.૨૦/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
પડધરી ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સની અંદર જ ‘ટ્રિપ્લેટ્સ’ પૈકી બાકીના બે બાળકોની સફળ અને સુરક્ષિત પ્રસુતિ કરાવી
૧૦૮ ટીમની ઉમદા ફરજે ટંકારાના રોહિશાળા ગામે રહેતા પરિવારનું આંગણું ત્રણ પુત્રોની કિલકારીઓથી ભરી દીધુ
Rajkot: જ્યારે મુશ્કેલી અને કટોકટીની પળો હોય ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા જાણે દેવદૂત બની જાય છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો ટંકારા તાલુકાના રોહિશાળા ગામેથી સામે આવ્યો છે, જ્યાં રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પોતાની સતર્કતા અને કુશળતાથી એક સાથે ત્રણ-ત્રણ નવજીવનને સહીસલામત આવકાર્યા છે

તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬, રાતના ૮:૪૮ વાગ્યાનો સમય. પડધરી ૧૦૮ ટીમને કોલ મળ્યો કે, ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા શ્રી નિરુબેન દિનેશભાઈ વાસકલાને અસહ્ય પ્રસૂતિની પીડા થઈ રહી છે. કેસની ગંભીરતા સમજતા જ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન શ્રી જિગ્નાશાબેન અને પાયલોટ શ્રી સુરેશભાઈ વિલંબ કર્યા વગર રોહિશાળાના રસ્તે રવાના થયા.

જ્યારે ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે એક બાળકનો જન્મ થઈ ગયો હતો પરંતુ સામાન્ય પ્રસૂતિ કરતાં આ કેસ અલગ અને જટિલ હતો. માતાના ગર્ભમાં હજુ બીજા બે જીવ ધબકી રહ્યા હતા! સામાન્ય રીતે, ‘ટ્રિપ્લેટ્સ’ (એક સાથે ત્રણ બાળકો)ની ડિલિવરી કરવી પડકારજનક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઈ.એમ.ટી. શ્રી જિગ્નાશાબેને હિંમત ન હારી. તેમણે પોતાની તાલીમ અને નિર્ણયશક્તિ પર ભરોસો રાખી, શાંતિથી મોરચો સંભાળ્યો. તેમણે ઈ.આર.સી.પી. શ્રી ડો. જોત્સનાબેનનો સંપર્ક સાધ્યો. શ્રી ડો. જોત્સનાબેનના તબીબી માર્ગદર્શન, શ્રી જિગ્નાશાબેનની કુશળતા તેમજ પાયલોટ શ્રી સુરેશભાઈના સહયોગના બળે, એમ્બ્યુલન્સની અંદર જ બાકીના બે બાળકોની પણ સફળ અને સુરક્ષિત પ્રસુતિ કરાવવામાં આવી!
જ્યારે ત્રણેય નવજાત શિશુઓની કિલકારીઓ સંભળાઈ ત્યારે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટીમની મહેનત સફળ થઈ ગઈ. એક જ ઘરમાં એકસાથે ત્રણ દીકરાના આગમનથી પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્યો.
૧૦૮ની ટીમે પ્રસૂતિ બાદ માતા અને ત્રણેય પુત્રોની તબિયત સ્થિર રહે, તે માટે જરૂરી પ્રાથમિક સારવાર આપી, તેમને સમયસર રાજકોટની જનાના હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યાંની ગાયનેક ટીમને માતા અને નવજાત શિશુઓને સુરક્ષિત રીતે હેન્ડઓવર કર્યા ત્યારે પરિજનોએ ટીમનો આભાર માન્યો.
આમ, રાજકોટ જિલ્લા ૧૦૮ ટીમની સમયસૂચકતા અને ઉમદા ફરજે એક પરિવારનું આંગણું ખુશીઓથી ભરી દીધું. ત્રણ નાનકડાં સ્પંદનો અને એક માતાનું સ્મિત – ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ગુજરાત સરકારની આરોગ્ય વ્યવસ્થા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે








