વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
છેલ્લા ત્રણ માસમાં ૪૫૦ પ્રસૂતિ અને ૧૧ હજારથી વધુ લેબોરેટરી ટેસ્ટ દ્વારા દર્દીઓની રાઉન્ડ ધ ક્લોક સારવાર.
રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં ડાયાલિસિસ અને બ્લડ સ્ટોરેજ સુવિધાઓ પણ કરાશે શરૂ.
પ્રાગપર ચાર રસ્તા પાસે ૪૫ રૂમ અને આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહેલું નવીન હોસ્પિટલ ભવન આગામી વર્ષથી દર્દીઓની સેવામાં થશે કાર્યરત.
હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ઉપલબ્ધિથી સરહદી વિસ્તારના નાગરિકો સહિત આર્મી જવાનોને પણ ઘરઆંગણે મળી રહી છે ઉત્તમ સારવાર.
રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અદ્યતન તબીબી સુવિધાઓનો વ્યાપ વધારાયો.
રાપર,તા-૦૧ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના રાપર તાલુકા તેમજ ખડીર પંથકની આશરે ત્રણ લાખ જેટલી વસ્તી માટે આરોગ્ય સેવાઓનો મુખ્ય આધાર રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) બની છે, જેને હવે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૦ પથારીની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં દિન-પ્રતિદિન આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડો. રોબિનસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર,હાલ ત્રણ નિષ્ણાત તબીબો સેવા આપી રહ્યા છે,જેમાં ગાયનેકોલોજિસ્ટ ડો. હિનાબેન ચૌધરી, એનેસ્થેટિસ્ટ ડો.બિનીતા પ્રજાપતિ અને આંખના સર્જન ડો. જીનલ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય તબીબી અધિકારીઓ તરીકે ડો. અંજલી ચાવડા,ડો. કુલદીપ પંપાણીયા,ડો. રુત્વીક સોમૈયા,ડો.હાર્દિક સોનગરા,ડો.સાહિલ પટેલ અને ડો. કુલભૂષણ પટેલ સહિત પાંચ મેડિકલ ઓફિસર તથા એક ફિઝિયોથેરાપિસ્ટ ફરજ બજાવી રહ્યા છે. પેરામેડિકલ અને સહયોગી સેવાઓમાં ૨૬ સ્ટાફ નર્સ, ૪ હેડ નર્સ, લેબોરેટરી વિભાગમાં ૫ ટેક્નિશિયન, ૧ એક્સ-રે આસિસ્ટન્ટ, ૧૫ સહયોગી સ્ટાફ અને ૫ ઓફિસ સ્ટાફ કાર્યરત છે.છેલ્લા ત્રણ મહિના દરમિયાન હોસ્પિટલની દર્દીઓને સારવાર અંગેની કામગીરી વિશે માહિતી આપતા અધિક્ષકે જણાવ્યું હતું કે, આ સમયગાળામાં કુલ ૪૫૦ સફળ પ્રસૂતિઓ કરાવવામાં આવી છે, જે પૈકી ૫૦ પ્રસૂતિ સિઝેરિયન ઓપરેશન દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૨૫૦ થી ૩૦૦ દર્દીઓની ઓપીડી નોંધાય છે, જ્યારે દૈનિક દાખલ દર્દીની સંખ્યા ૩૦થી વધુ રહે છે. છેલ્લા ત્રણ માસમાં ૧૧,૦૦૦થી વધુ લેબોરેટરી ટેસ્ટ અને ૫૫૦થી ૬૦૦ જેટલા એક્સ-રે કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ સુવિધા ઉપલબ્ધ છે. ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ૧૩૦ જેટલા એમએલસી એટલે કે મેડિકો-લીગલ કેસ નોંધાયા છે.આગામી સુવિધાઓ અંગે તેમણે ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ ઉપલબ્ધ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં ડાયાલિસિસ સારવાર શરૂ કરવામાં આવશે. આ સાથે બ્લડ સ્ટોરેજ યુનિટની સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે, જેને જરૂરી સરકારી સ્ટાફની ફાળવણી થતાં જ લોકસેવા માટે ખુલ્લી મુકાશે. આ ઉપરાંત દર્દીઓને વધુ અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી પ્રાગપર ચાર રસ્તા પાસે ૪૫ રૂમ અને નવીન સાધન-સામગ્રી સાથે નૂતન હોસ્પિટલ ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ભવન આગામી ફેબ્રુઆરી માસ સુધીમાં તૈયાર થઈ જશે અને આવતા વર્ષથી તે સંપૂર્ણપણે કાર્યરત થશે.
એક સમયે સીમિત આરોગ્ય સુવિધાઓ ધરાવતા આ સરહદી વિસ્તારમાં આરોગ્ય વિભાગના સતત પ્રયાસોથી સ્થિતિમાં સુધારો થયો છે. રાપર તાલુકાના ૯૭ ગામો, ખડીર વિસ્તારના ૨૦ ગામો, પોલીસ વિભાગ, સરહદ પર તૈનાત આર્મીના જવાનો તેમજ રાપર-ખડીર ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ માટે રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આર્શીવાદરૂપ સાબિત થઈ રહી છે.












