રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૯.૨૦૨૬
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર તેમની જન્મભૂમિ વડનગરથી કર્મભૂમિ વારાણસી સુધી આયોજિત કરાયેલી વિશેષ ‘સેવા યાત્રા’ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બાઇક રેલીમાં સેવાયાત્રીઓ સાથે પંચમહાલ જીલ્લામાં પહોંચ્યા, જ્યાં સેવાયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલના હાલોલ સ્થિત ચંદ્રપુરા ચોકડી ખાતે આદિવાસી પરંપરાગત લોકનૃત્ય તેમજ ‘વિકસિત ભારત’ થીમ આધારિત નૃત્ય સાથે રેલીનું ઉષ્માભર્યું અભિવાદન કરાયું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૫૦૦થી વધુ ઉત્સાહી સેવાયાત્રી યુવાનો અલગ-અલગ ૧૦ રૂટ ઉપર મોટરસાઇકલોના ગ્રૂપમાં ૨૨ દિવસ સુધી ગામેગામ ફરીને સ્વચ્છતા અભિયાન, ગૌસેવા, વૃદ્ધોની સંભાળ અને સરકારી યોજનાઓના લોકજાગૃતિ જેવા સેવાકીય કાર્યો કરશે. છેલ્લા બે દિવસથી આ બાઇક યાત્રામાં જોડાયાનો સંઘવીએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે છેલ્લા ૨૫ વર્ષથી એક પણ દિવસની રજા લીધા વિના દેશના પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે અવિરત કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબોને પાકાં મકાનો, શૌચાલય થકી મહિલાઓનું સન્માન, કિસાન સન્માન નિધિ થકી ખેડૂતોને આર્થિક ટેકો તેમજ આયુષ્માન ભારત યોજના થકી સામાન્ય પરિવારોને રૂ. ૧૦ લાખ સુધીની વિનામૂલ્યે આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.વડાપ્રધાનના ૨૫ વર્ષના સમર્પિત લોકસેવાના કાર્યકાળને બિરદાવતા સંઘવીએ નાગરિકોને આહવાન કર્યું હતું કે, આ ‘સેવા સંકલ્પ’ માસ દરમિયાન સૌ નાગરિકો પોતાના ગામ, સમાજ અને દેશ માટે માત્ર ૨૫ મિનિટનો સમય ફાળવી સ્વચ્છતા, આરોગ્ય કે લોકસેવાના કાર્યોમાં યોગદાન આપે.સંકલ્પ સેવા અભિયાન અંતર્ગત યોજાયેલ વડનગર થી વારાણસી સુધીની બાઇક રેલી જ્યારે વડોદરાથી પંચમહાલ જિલ્લામાં પ્રવેશી ત્યારે સેવાયાત્રીઓના સ્વાગત પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ,પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા સંગઠનના પદાધિકારીઓ, જી .આઈ.ડી.સી. મસવાડ અને જી.આઈ.ડી.સી. હાલોલના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









