તારીખ ૨૧/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ બસ સ્ટેન્ડ ખાતે આજે સવારે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. વાઘોડિયા ડેપોની વડોદરા થી ફતેપુરા તરફ જતી એસ.ટી બસમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બસ સ્ટેન્ડમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બસ કાલોલ બસ સ્ટેન્ડમાં પ્રવેશી રહી હતી તે દરમિયાન જ એન્જિનમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ પ્રસરી હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં આ જોઈને ભયનો માહોલ ફેલાયો હતો અને જીવ બચાવવા માટે મુસાફરો બસમાંથી ઉતરીને દોડવા લાગ્યા હતા.જોકે, આ ગંભીર પરિસ્થિતિમાં બસના ડ્રાઇવરે અદભૂત સૂઝબૂઝ દાખવી હતી. ડ્રાઇવરે તાત્કાલિક બસને રોકી, મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા અને બસમાં રહેલા ફાયર સેફ્ટીના સાધન વડે આગ પર પ્રાથમિક કાબૂ મેળવી લીધો હતો. જેના કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી અને ઘટનાની જાણ થતા જ કાલોલ નગરપાલિકાનો ફાયર ફાયટર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બસના એન્જિનમાંથી નીકળતા ધુમાડા પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. જ્યાં સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. બસને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવી છે.








