MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં જાહેર માર્ગો પરથી ૩,૭૯૭ રખડતા પશુઓ પકડાયા

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર ટ્રાફિક અને નાગરિકો માટે અડચણરૂપ બનતા રખડતા ઢોર સામે તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં ANCD (એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) શાખા દ્વારા જાહેર માર્ગો પરથી કુલ ૩,૭૯૭ રખડતા પશુઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ સપ્તાહે ૧૫ પશુઓ પકડાયા, ૬૦૦થી વધુને ગૌશાળા-પાંજરાપોળ મોકલાયા

ANCD શાખા દ્વારા ચાલુ સપ્તાહ દરમિયાન પણ કાર્યવાહી ચાલુ રાખીને ૧૫ પશુઓને પકડવામાં આવ્યા હતા. શહેરના જુદા-જુદા વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પકડાયેલા પશુઓને મોરબી જિલ્લા તથા આસપાસની ગૌશાળાઓ, નંદીઘર તેમજ પાંજરાપોળમાં આશ્રય અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી ૬૦૦થી વધુ પશુઓને વિવિધ ગૌશાળા અને પાંજરાપોળ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.
૨,૯૨૦ પશુઓનું RFID ટેગિંગ પૂર્ણ પશુઓની ઓળખ અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૨,૯૨૦ પશુઓનું RFID અને ટેગિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ ટેગિંગ તેમજ રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ વધુ વેગવાન બનાવાશે.
લાયસન્સ અને પરમિટની સ્થિતિ:પશુ માલિકો: ૩૦૬ પશુ માલિકોને નવા લાયસન્સ ઇશ્યૂ કરાયા અને ૩૦ લાયસન્સ રિન્યૂ કરાયા.ઘાસ વેચાણ: ૩૩ વેપારીઓને ઘાસ વેચાણની પરમિટ અપાઈ અને ૪ પરમિટ રિન્યૂ થઈ.પેટ ડોગ રજિસ્ટ્રેશન: શહેરમાં ૪૯ પાળતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન કરાયું અને ૧૦ ડોગ લાયસન્સ રિન્યૂ કરાયા.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પશુપાલકોને પોતાના પશુઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા તથા શ્વાન માલિકોને પોતાના પેટ ડોગનું વહેલી તકે રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી યથાવત રહેશે.











