તા.17/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


રક્તદાનથી નબળાઈ નથી આવતી પણ જરૂરિયાતમંદને મળે છે નવજીવન: રક્તદાતા દિલીપ ચાવડા

સુરેન્દ્રનગર જિલ્લામાં “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે ‘સેવા મેરા યોગદાન’ થીમ હેઠળ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલ અને સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ રક્તદાન કરવાની સાથે મૃત્યુબાદ અંગદાન કરવાના પણ સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્ય જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ચૈતન્ય પરમારે સ્વયં રક્તદાન કરીને સમાજ સામે ઉત્કૃષ્ટ પ્રેરણા પૂરી પાડી હતી. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને કલેક્ટરે રક્તદાનને સર્વશ્રેષ્ઠ ‘મહાદાન’ ગણાવી સૌને માનવસેવાના આ ઉત્તમ કાર્યમાં જોડાવા આહ્વાન કર્યું હતું. ડૉ. ચૈતન્ય પરમાર અને ઓર્થોપેડિક સર્જન ડૉ. કેતન લીંબાચીયાએ જણાવ્યું કે રક્તદાનથી દર્દીઓનું જીવન તો બચે જ છે, પરંતુ રક્તદાતાના પોતાના સ્વાસ્થ્ય માટે પણ તે અત્યંત લાભદાયી છે. પ્રાથમિક શાળા નંબર ૧૫ના કર્મચારી દિલીપ ચાવડાએ ૧૨મી વખત રક્તદાન કરી સમાજમાં પ્રવર્તતી ભ્રમણાઓ દૂર કરી હતી. તેમણે જણાવ્યું કે રક્તદાનથી કોઈ અશક્તિ આવતી નથી અને વ્યક્તિ પોતાની દૈનિક દિનચર્યા સામાન્ય રીતે કરી શકે છે. આ શિબિરમાં જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું.









