WAKANER:વાંકાનેર નવા કોઠારીયા પ્રાથમિક શાળાના ભૂલકાઓએ બનાવી માટીના ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ

વાંકાનેરશિક્ષણની સાથે સંસ્કાર અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે જાણીતી વાંકાનેરના જડેશ્વર સ્થિત નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ગણેશ ચતુર્થી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓએ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતાં માટીમાંથી સુંદર અને આકર્ષક ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓ કોબીયા જીતુ, કોબીયા ધ્રુવી, સોરીયા આનંદ તેમજ સારલા છાયાએ પોતાની આગવી સૂઝબૂઝ અને કલાત્મકતાથી માટીની મૂર્તિનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ તેમાં મનમોહક રંગો પૂરીને પ્રતિમાને આબેહૂબ રૂપ આપ્યું હતું. બાળકોના આ અનોખા પ્રયાસ પાછળ સિદ્ધિવિનાયક દેવની ભક્તિ સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો ઉમદા ભાવ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓની આ કલાત્મક પ્રતિભા અને પર્યાવરણલક્ષી અભિગમને શાળાના શિક્ષકોએ બિરદાવી તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રામજનો અને વાલીઓએ પણ બાળકોના આ સર્જનાત્મક કાર્યની સરાહના કરી હતી.










