તા.06/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં કૌટુંબિક કલહમાં એક પતિએ પોતાની જ પત્નીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રેમલગ્નના પાંચ જ વર્ષમાં આ સર્જાયેલી લોહિયાળ ઘટનાને કારણે બે નાદાન બાળકોએ ક્ષણભરમાં માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘર બંધ કરી આરોપી પતિ ફરાર, સારવારના અભાવે પત્નીએ તડપી- તડપીને દમ તોડ્યો મળતી માહિતી મુજબ, રામદેવનગરમાં રહેતા રાહુલ નાનજીભાઈ પારધી અને તેની પત્ની દરખાસ્તબેન ઉર્ફે ગુલ્લુ વચ્ચે રાત્રિના સમયે કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી. જોતજોતામાં ઝઘડાએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું, જેમાં પતિ રાહુલે આવેશમાં આવીને પત્નીના કપાળ, ગળા, હાથ તેમજ શરીરના આંતરિક સંવેદનશીલ ભાગો પર અતિ ક્રૂરતા પૂર્વક ઢોરમાર માર્યો હતો. પત્ની ગંભીર રીતે ઘવાયેલી અને લોહીલુહાણ હાલતમાં તરફડતી રહી હોવા છતાં, આરોપી રાહુલે તેને સારવાર અપાવવાની માનવતા દર્શાવવાને બદલે ઘર બહારથી બંધ કરીને ફરાર થઈ ગયો હતો. લાંબો સમય સુધી લોહીલુહાણ હાલતમાં ઘરમાં રઝળતી રહેલી મહિલાએ આખરે સમયસર સારવાર ન મળવાને કારણે તડપી- તડપીને દમ તોડી દીધો હતો. મૃતક દરખાસ્તબેન અને આરોપી રાહુલે પાંચ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો છે, જેમાં એક બાળકની ઉંમર બે વર્ષ અને બીજા શિશુની ઉંમર માત્ર એક મહિનો છે. પિતાના આ રાક્ષસી કૃત્યને કારણે માતાનું કરુણ મોત નીપજ્યું છે અને પિતા જેલના સળિયા પાછળ ધકેલાવાની તૈયારીમાં છે, ત્યારે માત્ર એક મહિનાના નવજાત શિશુ સહિત બંને માસૂમ બાળકો એકસાથે નિરાધાર બની જતાં સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સીટી બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ઘટના અંગે બી-ડિવિઝન પોલીસના પીએસઆઈ ભદ્રરાજસિંહ લાલુભા ઝાલાની ફરિયાદના આધારે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે કે આરોપી રાહુલ પારધી અગાઉ પણ દારૂ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. હાલ બી-ડિવિઝન પોલીસે ફરાર આરોપી રાહુલને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.







