યોગેશ કાનાબાર રાજુલા
રાજુલામાં પાંચાળી આહીર સમાજનો કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો
દિવ્ય મટુકીફોડ સાથે પરંપરાગત પહેરવેશમાં ભવ્ય રાસ-ગરબા, બહેનોને પ્રોત્સાહક ઇનામો અપાયા
રાજુલા: પાંચાળી આહીર સમાજ–ગ્રુપ રાજુલા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મધ્યરાત્રિએ ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દિવ્ય મટુકીફોડ યોજાયો હતો, જેમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને વધુ યાદગાર બનાવવા સમાજની માતાઓ અને બહેનો માટે પરંપરાગત પહેરવેશ સાથે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ-ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહક ઇનામ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે સમાજના સૌ સભ્યોએ સાથે મળીને નાસ્તો અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, પ્રમુખશ્રી તથા તમામ સમાજબંધુઓના સાથ-સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમને સમાજ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવરાત્રી પર્વની પણ વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સમાજની માતાઓ અને બહેનોને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આવનારા સમયમાં પણ સમાજનો આવો જ સાથ અને સહકાર મળતો રહેશે તો નવરાત્રી પર્વની ઉજવણી પણ સૌ સાથે મળી ભવ્ય રીતે કરવામાં આવશે, તેવી સમાજના આયોજકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.







