કિરીટ પટેલ બાયડ
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સુજલામ સુફલામ અને વાત્રક કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા સિંચાઈ મંત્રીને રજૂઆત કરી
બાયડ વિધાનસભા મતવિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા માનનીય સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્યશ્રીએ રજૂઆતમાં જણાવ્યુ છે કે હાલના તબક્કે સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોનો ઊભો પાક બગડી જવાની સ્થિતિ સર્જાઈ છે. જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તેમણે સુજલામ સુફલામ કેનાલ તેમજ વાત્રક નદી સાથે જોડાયેલ ડાબા કાંઠાની કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવાની માંગ કરી છે. જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહે અને પાકને નુકસાન થતું અટકાવી શકાય.
તેમણે સિંચાઈ મંત્રીશ્રીને વિનંતી કરી છે કે ખેડૂતોની વર્તમાન ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક યોગ્ય સૂચના આપી કેનાલોમાં પાણી છોડાવવાની કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક માસ જેટલા સમયથી બિલકુલ વરસાદ પડ્યો નથી આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત અત્યંત ગંભીર થવા જઈ રહી છે આ બાબતે પ્રશાસન ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક અસરથી વાત્રક કેનાલ તેમજ સુજલામ સુફલામમાં પાણી છોડે તેવી ખેડૂતોની પ્રબળ માંગ છે.








