નર્મદા: ઈદે મિલાદ નિમિત્તે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપીપળામાં રક્તદાન કેમ્પ યોજાયો
માનવ સેવા અને કોમી એકતાનો સંદેશ આપતા મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા ખાતે ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા અને કોમી એખલાસની ભાવનાને ઉજાગર કરતો રક્તદાન કેમ્પ યોજાયો હતો. નિઝામશાહ દરગાહ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નાનકડા ગામ કલ્લા શરીફમાં પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબે અંતરિયાળ વિસ્તારના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે સેવેલું સ્વપ્ન આજે સૂફી સંત ફૈઝ એકેડમી સ્કૂલના સ્વરૂપે સાકાર થયું છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બાળકો આ શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે અને શાળા સતત ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવતી રહી છે.

શૈક્ષણિક સેવા સાથે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાના ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા આજદિન સુધી આશરે 35 જેટલા રક્તદાન કેમ્પ, 22 જેટલા રોગ નિદાન કેમ્પ, 50 જેટલા લીગલ ક્લિનિક કેમ્પ તેમજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી સમાજસેવાની અનોખી જ્યોત પ્રગટાવવામાં આવી છે.

ચાલુ વર્ષે ઈદે મિલાદના પ્રસંગે માનવતા અને કોમી એખલાસની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબની સૂચના મુજબ જ્યાં જ્યાં તેમના અનુયાયીઓ વસે છે ત્યાં રક્તદાન કેમ્પ યોજવા આહવાન કરવામાં આવ્યું હતું.
ખલીફએ-સુફી-એ-મિલ્લત સૈયદ વાહિદઅલી બાવા સાહેબ કલ્લા શરીફ દ્વારા પણ અનુયાયીઓને પોતાના વિસ્તારોમાં રક્તદાન કેમ્પ યોજી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવા અપીલ કરવામાં આવી હતી.
આ જ સેવાભાવનાના ભાગરૂપે રાજપીપળામાં નિઝામશાહ દરગાહ હોલ ખાતે ખલીફએ-સુફી-એ-મિલ્લત સૈયદ વાહિદઅલી બાવા સાહેબ કલ્લા શરીફની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. રક્તદાન કરનાર દાતાઓનું ટ્રસ્ટના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સૈયદ વાહિદઅલી બાવા સાહેબે જણાવ્યું હતું કે, “રક્તદાન એ માત્ર એક વ્યક્તિને મદદ કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ કોઈ અજાણ્યા જરૂરિયાતમંદનું જીવન બચાવવાનું પવિત્ર કાર્ય છે. ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ વિના માનવ સેવા કરવી એ જ સાચી ઈબાદત છે. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે વધુમાં વધુ લોકો રક્તદાન કરી માનવતા અને કોમી એકતાનો સંદેશ સમાજમાં પહોંચાડે તે જરૂરી છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજના યુવાનો અને સેવાભાવી લોકો આગળ આવીને નિયમિત રક્તદાન કરે તો અનેક દર્દીઓના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. માનવ સેવા અને કોમી એકતા માટે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેશે.







