
સમીર પટેલ, ભરૂચ

ભરૂચના નેશનલ હાઈવે નંબર-48 પર લુવારા નજીક એક ટેન્કરમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાં આગ લાગતાં ચાલકે સમયસૂચકતા વાપરી વાહનને ઊભું રાખી દીધું હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હજીરાથી રનોલી તરફ જઈ રહેલા ટેન્કરમાં લુવારા નજીક કોઈ કારણસર આગ લાગી હતી. આગની જાણ થતાં જ ટેન્કરચાલકે તાત્કાલિક વાહનને ઊભું રાખ્યું હતું. દરમિયાન આગ વધુ વિકરાળ બને તે પહેલાં ત્યાંથી પસાર થતા એક કારચાલકે મદદ માટે આગળ આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીની મદદથી સમયસર ટેન્કરમાં આગ વધુ પ્રસરતી અટકાવવામાં સફળતા મળી હતી.
નેશનલ હાઈવે પર ટેન્કરમાં આગ લાગવાની ઘટનાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ટેન્કરચાલક ની સમયસૂચકતા અને કારચાલક ની મદદને કારણે આગ વધુ ફેલાતાં અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.








